Jamnagar Rain Update : જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન આકરા તાપ અને ઉકળાટ ભર્યું વાતાવરણ બનેલું રહ્યું હતું, ત્યારબાદ મોડી રાતે ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અઢી વાગ્યા બાદ રાત્રીના હવામાન પલટાયું હતું, અને સૌ પ્રથમ પવન ફૂંકાયો હતો.
ત્યારબાદ વીજળીના ભારે કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા, અને પોણા ત્રણ વાગ્યા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ ત્રણ વાગ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો, અને એકાદ કલાકના સમયગાળા દરમિયાન બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 41 મી.મી વરસાદ નોંધાયો હતો, અને મોસમનો કુલ વરસાદ 439 મી.મી. થયો છે. તે જ રીતે લાલપુરમાં 11 મી.મી. ત્યારે જામજોધપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના નવાગામમાં 55 મી.મી. જ્યારે મોટા પાંચ દેવડામાં 44 મી.મી. વરસાદ નોંધાયો હતો. જામજોધપુરના વાંસજાળીયામાં 35 મી.મી. ધ્રાફામાં 30 મી.મી., સમાણામાં 28 મી.મી., લાલપુરના પડાણામાં 30 મી.મી. હરિપરમાં 28 મી.મી., મોટા ખડબામાં 18 મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે હજુ પણ સમગ્ર જિલ્લામાં વરસાદની વાતાવરણ બનેલું છે અને જામનગર શહેરમાં ફરી વરસાદી થઈ ગયો છે તે જ રીતે લાલપુર અને જામજોધપુરમાં પણ મેઘાવી માહોલ છે.