Kinnaur Kailash Yatra : હિમાચલ પ્રદેશ હાલ ભારે કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં અવાર-નવાર સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીં અનેક વખત ભૂસ્ખલનની ઘટના બનવાની સાથે અનેક રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે. આ કારણે રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ વર્ષે કિન્નૌર કૈલાશ યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે, યાત્રાના માર્ગ પર અનેક સ્થળે ભૂસ્ખલન થયું છે, જેના કારણે અહીંથી પસાર થવું ખૂબ જ જોખમી છે. એટલું જ નહીં આ માર્ગ પર અચાનક પૂર આવવાનો અને પથ્થરો પડવાનો પણ ખતરો છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે, તેઓ કિન્નૌર કૈલાશ યાત્રા કરવાનો પ્રયાસ ન કરે અને સુરક્ષિત સ્થળો પર જ રહે.
કિન્નૌર કૈલાશ એટલે ભગવાન શિવનું નિવાસસ્થાન
કિન્નર કૈલાશ યાત્રા હિમાચલ પ્રદેશમાં આવેલી એક અત્યંત મુશ્કેલ અને પવિત્ર તીર્થયાત્રા છે. આ યાત્રાને હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ યાત્રા હિમાલયની પર્વતમાળામાં સ્થિત છે અને તેના ભવ્ય નજારા અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતી છે. આ સ્થળને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે, જ્યાં તેઓ માતા પાર્વતી સાથે નિવાસ કરે છે. ભક્તો માને છે કે આ પવિત્ર સ્થળના દર્શન કરવાથી મોક્ષ અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ
કિન્નર કૈલાશ પર્વત પર વિશાળ શિવલિંગ
આ યાત્રા બરફથી ઢંકાયેલા પહાડો, ઊંડી ખીણો, અને લીલાછમ જંગલોથી ઘેરાયેલી છે, જે તેને એક અનોખો અનુભવ બનાવે છે. કિન્નર કૈલાશ યાત્રાનું મુખ્ય આકર્ષણ કિન્નર કૈલાશ પર્વત પર આવેલું 13,000 ફૂટ ઊંચું એક વિશાળ શિવલિંગ છે. આ શિવલિંગને “કિન્નર કૈલાશ શિવલિંગ” અથવા “શિવાલિંગમ” તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વતની ઊંચાઈ લગભગ 6,050 મીટર (19,850 ફૂટ) છે. યાત્રાની શરૂઆત સામાન્ય રીતે સાંગલા ઘાટીના ચિતકુલ ગામથી થાય છે. આ યાત્રા પૂર્ણ કરવામાં લગભગ 3 થી 4 દિવસનો સમય લાગે છે, જેમાં 40 કિલોમીટરથી વધુની ચઢાઈ કરવી પડે છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ