NSA Ajit Doval Meets China Wang Yi: દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે ચીનના પ્રતિનિધિ સાથે મુલાકાત કરી છે. અમેરિકાના ટેરિફ બોમ્બ વિરૂદ્ધ બંને દેશો છેલ્લા કેટલાક સમયથી સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે અજિત ડોભાલે ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બંને દેશોની સરહદો પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો હોવાનું ડોભાલે જણાવ્યું હતું.
અમેરિકાની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે ભારત પોતાની વ્યૂહનીતિ હેઠળ રશિયા અને ચીન સાથે વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવા પ્રયત્નશીલ બન્યુ છે. વડાપ્રધાન મોદી પણ એસસીઓ શિખર સંમેલન માટે ચીનની મુલાકાત લેવાના છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ
દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યાઃ ડોભાલ
આ બેઠકમાં અજિત ડોભાલે જણાવ્યું હતું કે, બંને દેશોની સરહદ પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો છે, જે એક સકારાત્મક બાબત છે. દ્વિપક્ષીય સંબંધ વધુ ગાઢ બન્યા છે. ગતવર્ષે ઓક્ટોબરમાં કઝાનમાં એક નવુ વલણ અપનાવવામાં આવ્યું હતું, ત્યારથી બંને દેશોને ઘણો લાભ થયો છે. વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા મદદ મળી છે. અપેક્ષા છે કે, ગત વાર્તાની જેમ આ 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા સફળ રહેશે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે, સરહદ વિવાદ પર નવી દિલ્હી ખાતે ચીન અને ભારતના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે વાર્તા બદલ અમે ઉત્સુક છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી જે નિષ્ફળતાનો સામનો કર્યો છે, તે બંને દેશના હિતમાં ન હતાં. ગતવર્ષે ઓક્ટોબરમાં પ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે કઝાનમાં યોજાયેલી સકારાત્મક બેઠકથી દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થયો છે. સરહદ વિવાદના યોગ્ય ઉકેલો શોધવા સક્ષમ બન્યા છીએ.