મુંબઈ : વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા જીએસટી માળખાના સરળીકરણ સાથે જીએસટી દરોમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે દેશમાં મેન્યુફેકચરીંગ-ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કોટન સહિતની આયાત ફ્રી કરી દેતાં આજે ફંડો, મહારથીઓએ સતત બીજા દિવસે અવિરત તેજી કરી હતી. ચોમાસાની દેશભરમાં તોફાની બેટિંગ સાથે ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રે મબલક પાકની અપેક્ષા અને ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની સાથે મોંઘવારીમાં પણ ઘટાડો થવાની અપેક્ષાએ શેરોમાં ફંડો તેજીના મૂડમાં આવી ગયા હતા. બીજી તરફ યુક્રેન-રશીયા યુદ્વમાં અમેરિકામાં મળેલી ટ્રમ્પ-ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગ બાદ યુક્રેનને સુરક્ષાની ગેરંટી સાથે ગમે તે ઘડીએ સીઝફાયર થવાના સંકેતે આજે સેન્ટીમેન્ટ વધુ તેજીમય બન્યું હતું. સેન્સેક્સ ૩૭૦.૬૪ પોઈન્ટ વધીને ૮૧૬૪૪.૩૯ અને નિફટી ૫૦ સ્પોટ ૧૦૩.૭૦ પોઈન્ટ વધીને ૨૪૯૮૦.૬૫ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૮૧૭ ઉછળ્યો : હ્યુન્ડાઈ મોટર રૂ.૧૫૮ ઉછળી રૂ.૨૫૮૫ નવી ટોચે : ટાટા મોટર્સ, હીરો વધ્યા
ચોમાસાની અત્યંત સારી પ્રગતિ સાથે જીએસટી દરોમાં ઘટાડાની તૈયારી અને તહેવારોની સીઝનને લઈ વાહનોની ખરીદી વધવાના અહેવાલે ઓટોમોબાઈલ ઉદ્યોગને ફાયદો થવાના અંદાજોએ ફંડોની આજે સતત બીજા દિવસે ઓટો શેરોમાં મોટી ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૧૫૭.૮૫ ઉછળીને રૂ.૨૫૮૫.૦૫ નવી ઊંચાઈએ, ટાટા મોટર્સ રૂ.૨૩.૭૦ વધીને રૂ.૭૦૦.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૧૩૪.૧૫ વધીને રૂ.૫૧૧૮, બજાજ ઓટો રૂ.૨૦૭.૨૦ વધીને રૂ.૮૭૯૫.૩૦, એમઆરએફ રૂ.૧૭૬૧.૯૫ વધીને રૂ.૧,૪૬,૩૨૪.૮૦, મારૂતી સુઝુકી રૂ.૧૬૪.૭૦ વધીને રૂ.૧૪,૨૪૦, ટીવીએસ મોટર રૂ.૩૦.૯૦ વધીને રૂ.૩૨૫૧.૧૫, અશોક લેલેન્ડ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૩૩.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૧૭.૦૫ પોઈન્ટ ઉછળીને ૫૭૦૫૦.૩૮ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં આકર્ષણ : અલાઈડ બ્લેન્ડર્સ, ગોદાવરી બાયો, ગોકુલ એગ્રો, બલરામપુર ચીની વધ્યા
ચોમાસાની સારી પ્રગતિએ એફએમસીજી શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. એવરરેડ્ડી રૂ.૨૭.૭૦ વધીને રૂ.૪૩૯.૨૦, અલાઈડ બ્લેન્ડર્સ રૂ.૩૧.૦૫ વધીને રૂ.૫૨૭.૭૦, અવધ સુગર રૂ.૧૧.૫૫ વધીને રૂ.૪૪૪, ગોપાલ સ્નેક્સ રૂ.૯.૩૫ વધીને રૂ.૩૬૩.૮૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૦૧.૦૬ પોઈન્ટ વધીને ૨૦૫૬૬.૮૫ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં મજબૂતી : વેદાન્તા રૂ.૧૨ વધી રૂ.૪૫૦ : લોઈડ્સ મેટલ, એનએમડીસી વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે સતત ખરીદી રહી હતી. વેદાન્તા રૂ.૧૨ વધીને રૂ.૪૫૦.૧૦, એનએમડીસી રૂ.૧.૧૪ વધીને રૂ.૭૦.૭૨, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૯.૭૦ વધીને રૂ.૭૫૭.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૦૦૬.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૧.૨૮ પોઈન્ટ વધીને ૩૧૫૦૫.૪૨ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તેજી : પેટ્રોનેટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એચપીસીએલ વધ્યા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે ફરી મોટી ખરીદી શરૂ કરી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૯.૨૫ વધીને રૂ.૨૮૨.૫૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૯ વધીને રૂ.૧૪૧૯.૯૫, બીપીસીએલ રૂ.૭.૩૦ વધીને રૂ.૩૨૧.૩૦, એચપીસીએલ રૂ.૮.૪૦ વધીને રૂ.૩૯૫.૬૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૬.૬૦ વધીને રૂ.૪૦૮.૧૦, આઈઓસી રૂ.૧.૭૦ વધીને રૂ.૧૪૨ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૮૮.૫૪ પોઈન્ટ વધીને ૨૬૪૦૩.૮૩ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૬૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૨૬૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૬૩૪.૨૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૨૬૧.૦૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં જળવાયેલું આકર્ષણ : પીજી ઈલેક્ટ્રો, વોલ્ટાસ, બાટા ઈન્ડિયા, હવેલ્સ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ ઉદ્યોગને પણ જીએસટીમાં રાહતની અપેક્ષાએ ફાયદો થવાના અંદાજોએ સતત શેરોમાં ખરીદી રહી હતી. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૫૪૦.૬૫, વોલ્ટાસ રૂ.૩૦.૫૫ વધીને રૂ.૧૩૭૯.૪૫, બાટા ઈન્ડિયા રૂ.૨૨.૧૦ વધીને રૂ.૧૧૪૨.૬૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૬.૫૫ વધીને રૂ.૧૫૬૭.૪૦, ક્રોમ્પ્ટન રૂ.૩.૪૫ વધીને રૂ.૩૨૯, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૮.૦ વધીને રૂ.૧૬,૯૦૫.૨૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૩૧.૬૮ પોઈન્ટ વધીને ૬૧૧૧૧.૧૯ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી : કોટક બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી રહી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૪૫ વધીને રૂ.૭૧.૩૩, ફેડરલ બેંક રૂ.૩.૯૫ વધીને રૂ.૧૯૯.૯૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૩૫ વધીને રૂ.૨૪૭.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૮.૮૦ વધીને રૂ.૨૦૩૦.૧૦ રહ્યા હતા. પીએનબી હાઉસીંગ રૂ.૩૧.૫૫ વધીને રૂ.૮૧૭.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૮૮.૫૧ પોઈન્ટ વધીને ૬૨૨૬૯.૬૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો લેવાલ : એસ્ટ્રલ રૂ.૫૩ વધી રૂ.૧૩૬૬ : આઈનોક્સ વિન્ડ, ટીમકેન, સુપ્રિમ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. એસ્ટ્રલ રૂ.૫૩.૪૦ વધીને રૂ.૧૩૬૬.૩૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૦.૪૦ વધીને રૂ.૪૫૯૪.૫૫, જયોતી સીએનસી રૂ.૧૮ વધીને રૂ.૯૪૪.૫૦, કેઈઆઈ રૂ.૫૩.૫૦ વધીને રૂ.૩૯૫૫.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૬૫.૭૮ પોઈન્ટ વધીને ૬૭૦૩૮.૮૩ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૪૪ લાખ કરોડ વધીને રૂ.૪૫૪.૪૦ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત બીજા દિવસે તેજી સાથે એ ગુ્રપના ઘણા શેરો તેમ જ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની ખરીદી વધતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૪૪ લાખ કરોડ વધીને રૂ.૪૫૪.૪૦ લાખ કરોડ રહ્યું હતું. બે દિવસમાં સંપતિમાં રૂ.૯.૬૨ લાખ કરોડનો વધારો થયો છે.