Shashi Tharoor Differs With Congress: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરે છે અને પાર્ટીથી અલગ નિવેદનો આપે છે, તેમણે ફરી એકવાર પોતાની પાર્ટી કોંગ્રેસથી જુદું નિવેદન આપ્યું છે. થરૂરે ગુનાહિત ઈતિહાસ ધરાવતા મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનો અને મંત્રીઓને પદ પરથી હટાવવા માટેના પ્રસ્તાવિત બિલને સમર્થન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે કહ્યું કે, ‘જો તમે 30 દિવસ જેલમાં વિતાવો, તો શું તમે મંત્રી તરીકે રહી શકો? આ સામાન્ય સમજની વાત છે… મને આમાં કંઈપણ ખોટું નથી લાગતું.’
એવી પણ માહિતી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કર્યા પછી તેને સંસદની એક સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે. આ અંગે થરૂરે કહ્યું કે, ‘જો આ બિલને અભ્યાસ માટે સમિતિ પાસે મોકલવામાં આવે તો તે સારી વાત હશે. મને લાગે છે કે સમિતિની અંદર ચર્ચા થવી એ આપણા લોકતંત્ર માટે સારી વાત છે.’
વિરોધ પક્ષો બિલનો વિરોધ કરી રહ્યા છે
કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં એક બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ અથવા કસ્ટડીમાં લેવાયા હોય તેવા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી અથવા મંત્રીને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. જોકે, વિરોધ પક્ષો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે.
આ બિલનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યો છે. પ્રિયંકાએ આ કડક બિલની આલોચના કરતાં કહ્યું કે, ‘કાલે, તમે કોઈ પણ મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પણ કેસ દાખલ કરી શકો છો, તેને દોષિત ઠરાવ્યા વિના 30 દિવસ માટે ધરપકડ કરી શકો છો… અને પછી તે મુખ્યમંત્રી નહીં રહે? આ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે.’
આ નવા બિલમાં શું જોગવાઈઓ છે?
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ થનાર 130મા બંધારણીય સુધારા બિલ 2025માં એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી અને મંત્રી સુધી, જો કોઈ પણ મંત્રીની ધરપકડ થાય અને તે સતત 30 દિવસથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રહે, તો તેણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે અથવા તેને પદ પરથી બરતરફ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા
2021થી કોંગ્રેસ અને થરૂરના સંબંધોમાં ઉતાર-ચઢાવ
કોંગ્રેસ સાથેના પોતાના સંબંધોને લઈને શશિ થરૂર સોમવારે પણ બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે તેમણે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા પર સંસદમાં વિશેષ ચર્ચામાં સામેલ ન થવા બદલ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. થરૂર અને કોંગ્રેસના સંબંધો 2021થી બગડી રહ્યા છે, જ્યારે તેઓ પાર્ટીમાં અસંતુષ્ટ નેતાઓના એક જૂથ, એટલે કે જી-23માં જોડાયા હતા અને ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં, ખાસ કરીને પહલગામ હુમલા પછી થયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ કોંગ્રેસ નેતૃત્વ સાથેના તેમના સંબંધો વધુ ખરાબ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે તેમને ‘ઓપરેશન સિંદૂર’ની માહિતી આપવા માટે વિદેશ મોકલાયેલા પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા હતા.