Loksabha Bill: કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું.જેમાં કોઈપણ ગુના હેઠળ વડાપ્રધાનથી માંડી કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા હેઠળના ગુના માટે સળંગ 30 દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. આ બિલનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવતાં લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
ઓવૈસીએ કર્યો વિરોધ
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ સત્તાના પૃથક્કરણનું ઉલ્લંઘન કરે છે. કાર્યકારી એજન્સીઓએ જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવવાનો અધિકાર આપે છે. આ બિલ બિન-ચૂંટાયેલા લોકોને જલ્લાદની ભૂમિકા ભજવવાની સત્તા આપશે. આ બિલની અનુચ્છેદનો ઉપયોગ સરકારને અસ્થિર કરવામાં થશે.
કોઈપણ મંત્રી વિરૂદ્ધ ખોટો કેસ નોંધી જેલભેગા કરાશેઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કાલે, તમે કોઈપણ મુખ્યમંત્રી વિરૂદ્ધ કોઈપણ કેસ નોંધી શકો છો. તેને સાબિત કર્યા વિના 30 દિવસ સુધી જેલમાં રાખશો… અને સત્તા છીનવી લેશો. આ બિલ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે.
આ ત્રણ બિલ રજૂ કર્યાં
કેન્દ્ર સરકારે આજે લોકસભામાં કુલ ત્રણ બિલ રજૂ કર્યા છે. જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલ. આ ત્રણેય બિલ સંપૂર્ણપણે એક નવું કાયદાકીય માળખું રજૂ કરે છે.