Vadodara Corporation : તહેવારોમાં પીઓપીની પ્રતિમાઓના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓ બનાવી વેચાણ કરી રોજગારી ઊભી કરવા સાથે સમાજને પ્રાકૃતિક જીવન પદ્ધતિ તરફ દોરી જવા અનોખો પ્રયાસ કરાશે. જે અંગેની મંજૂરી મેળવવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે.
કોર્પોરેશન હસ્તકના ઢોર ડબ્બા ખાતે મોટી માત્રામાં ગાયના ગોબરનો જથ્થો નિયમિત ઉદ્ભવે છે. તેનું મૂલ્યવર્ધન કરીને સ્થાનિક રોજગારી સાથે સંસ્કારી નગરીના લોકોને ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓ આપી સમાજને પ્રાકૃતિક જીવન પદ્ધતિ તરફ દોરી જવા અનોખો પ્રયાસ કરાશે. ગાયના પંચગવ્યમાંથી ગોમય ગણેશોત્સવ, કામધેનુ દિપાવલી અભિયાન, ગોપાષ્ટમી ઉત્સવ, ગાય આધારિત કિચન ગાર્ડન વર્કશોપ, પંચગવ્યના નિ:શુલ્ક પ્રશિક્ષણ વર્ગ થકી સમાજને કેમિકલ મુક્ત ઉત્પાદનો મળવા સાથે ગૌમાતા સાથે પ્રત્યક્ષ/પરોક્ષ રીતે જોડાવા આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય છે. યુસીએલ પ્રોજેક્ટ હેઠળની સખી મંડળની બહેનો, સંસ્થા, મૂર્તિકાર સહિતના લોકોને ગોબર ક્રાફ્ટની તાલીમ મારફતે સ્વરોજગારી મળે તે માટે વિના મૂલ્યે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાશે. હોળી માટે ગો કાષ્ઠ, સ્મશાન માટે મોક્ષ કાષ્ઠ, શ્રીજી પ્રતિમા, કોડિયા, તોરણ સહિતના ઉત્પાદનો તથા ગૃહ ઉપયોગી વસ્તુઓમાં સાબુ, શેમ્પૂ, તેલ, દંતમંજન, ઘી વગેરેનો સમાવેશ થાય છે. તથા સજીવ ખેતી ઉત્પાદન મળી કુલ ત્રણ શ્રેણીના ઉત્પાદનનું પ્રશિક્ષણ અપાશે. અને તેઓને કોર્પોરેશન ઢોર ડબ્બા ખાતેથી છાણ વિનામૂલ્યે આપશે. અને તેની અવેજીમાં ગાયના છાણમાંથી બનેલ પ્રોડક્ટસ રાહત દરે નાગરિકોને વેચાણ કરાશે. આ નિર્ણયની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા રજુ થયેલ દરખાસ્ત અંગે આગામી તા.22 ઓગષ્ટ શુક્રવારના રોજ મળનારી સ્થાયીની બેઠકમાં અંતિમ નિર્ણય થશે.