Vadodara : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સિસ દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી પીજી નીટ(નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષાનું પરિણામ મંગળવારે રાત્રે જાહેર થયું છે. જેમાં સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન વડોદરા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કર્યો છે. મેડિકલ કોલેજના એમબીબીએસના ચાર વિદ્યાર્થીઓએ દેશના ટોપ-100 સ્ટુડન્ટસમાં સ્થાન મેળવ્યું છે. જેમાં હિરક અગ્રવાલે દેશમાં 17મો, અંજલિ કુમારીએ 25મો, ગોપિત દાડિયાએ 41મો અને અવનિ પટેલે 85મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ મેડિકલ કોલેજોના વિવિધ પીજી અભ્યાક્રમોમાં પ્રવેશ લેવા માગતા દેશના 2.40 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે પીજી નીટની પરીક્ષા આપી હતી અને તેમાં ગુજરાતના 13000 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ગુજરાતના 17 કેન્દ્રો પર પીજી નીટની પરીક્ષા લેવાઈ હતી.
દેશમાં 17મો ક્રમ મેળવનાર હિરક અગ્રવાલે કહ્યું હતું કે, મેં આટલું સારું પરિણામ આવશે તેવી આશા નહોતી રાખી. મને લાગે છે કે, સાતત્ય બહુ જરુરી છે. મારો એક પણ દિવસ એવો નહોતો ગયો કે મેં એકાદ કલાક પણ વાંચ્યું ના હોય. ઈન્ટર્નશિપ દરમિયાન પરીક્ષાની તૈયારી માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે પણ હું કામના કલાકો અને વાંચનના કલાકો વચ્ચે ગમે તેમ કરીને સંતુલન સાધી લેતી હતી. હું મૂળ રાજસ્થાનની છું પણ મારો પરિવાર ત્રણ પેઢીથી વડોદરામાં રહે છે. મારા પિતા વ્યવસાય કરે છે અને માતા ગૃહિણી છે. મને દેશમાં કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળી શકે તેમ છે પણ મારે ગુજરાત છોડીને ક્યાંય ભણવા જવું નથી. કારણકે મહિલાઓની સલામતીની દ્રષ્ટિએ ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. હું અમદાવાદ કે વડોદરામાં જ રેડિઓલોજીમાં એડમિશન માટે પ્રયાસ કરીશ.