વડોદરા : વારસિયા વિસ્તારના માથાભારે
શખ્સો અને બૂટલેગરો વચ્ચે થયેલી ગેંગવોરની ઘટના બાદ ગુનાઇત ભૂતકાળ ધરાવતા
આઠ શખ્સો સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો. આ ગુનામાં હાલ ત્રણ આરોપી હજી ફરાર છે તેમજ આરોપીઓ સામે ઘનિષ્ઠ તપાસ કરવા અને
પુરતા પુરાવા એકત્રીત કરવા માટે ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતમાં વધુ ૯૦ દિવસની
માંગણી કરવામાં આવતા અદાલતે પોલીસની અરજીને મંજૂરી કરી હતી.
કેસની વિગત એવી છે કે, તા.૧૭મી
એપ્રિલે વારસિયા વિસ્તારના માથાભારે શખ્સો અને બૂટલેગરો વચ્ચે થયેલી ગેંગવોર પછી
પોલીસ કમિશનર દ્વારા તમામ આરોપીઓના ગુનાઇત
ભૂતકાળની તપાસ કરી ગુનાઓની માહિતી મેળવવા સૂચના આપવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા
પછી પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ગુજસીટોક
હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ ગુનામાં હરી ઉર્ફે હરેશ, કમલેશ ડાવર,યશ ચાવલા, જુબેર
મેમણ અને રવિ દેવજાણીની ધરપકડ કરી છે. જ્યારે અલ્પેશ ઉર્ફે અલ્પુ, મોહીત ઉર્ફે બચકો અને ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ હજી ફરાર છે.
દરમિયાનમાં આ કેસમાં હાલ તપાસ ચાલી રહી હોઇ ૯૦ દિવસમાં ચાર્જશીટ
દાખલ કરવાનું શક્ય ન જણાતા ચાર્જશીટ દાખલ કરવા માટે અદાલતમાં વધુ ૯૦ દિવસના સમયની
માંગણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ
રજૂઆત કરી હતી કે, કેટલાક સાક્ષીના નિવેદનો નોંધવાના બાકી છે. ઘણા
અધિકારીઓની ટ્રાન્સફર થઇ ગઇ છે તો કેટલાક નિવૃત્ત થઇ ગયા હોઇ તેમના નિવેદન લેવાના
બાકી છે. આરોપીઓ પાસે ફોરચ્યુનર ગાડી કેવી રીતે આવી ? ઇન્કમટેકના
રિટર્ન અને બેંક સ્ટેટમેન્ટ મેળવી તેનું ફોરેન્સિક ઓડિટ કરવાનું છે એટલે વધુ સમયની
જરુર છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં આરોપીઓની મિલકતોના દસ્તાવેજો મેળવવાના છે.