વડોદરા : ફાયર બ્રિગેડમાં વર્ષોથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા
કોન્ટ્રાક્ટના ૨૦ ડ્રાઇવરોને કાયમી કર્મચારી ગણવાનો અને ૧ જાન્યુઆરી ૨૦૨૪થી
નાણાંકીય લાભો ચૂકવવાનો ઔદ્યોગિક ન્યાય પંચે આદેશ કર્યો હતો. જો કે, અદાલતના
આદેશ બાદ કોર્પોરેશને આદેશનો અમલ ન કરતા કમર્ચારીઓમાં નિરાશા અને રોષ જોવા મળી
રહ્યો છે.
કેસની વિગત એવી છે કે, ફાયર બ્રિગેડમાં વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ના
સમયગાળા દરમિયાન ૨૦ ડ્રાઇવરોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યાં હતા. મ્યુનિસિપલ
કોર્પોરેશને આ સમયગાળા દરમિયાન અલગ અલગ ચાર કોન્ટ્રાક્ટરો આર.બી. એન્ટર પ્રાઇઝ,
એસ.ડી. નાકરાણી, સિદ્ધિ લેબર સિક્યુરીટી અને
અલ્ટ્રા મોડર્ન એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેમના કોન્ટ્રાક્ટમાં આ તમામ
કર્મચારીઓ ફાયર બ્રિગેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા.
આ તમામ ડ્રાઇવરો પર ચીફ
ફાયર ઓફિસરનું સુપરવિઝન રહેતું હતું અને તેમનો પગાર બેંક એકાઉન્ટ મારફતે ચૂકવવામાં
આવતો હતો. ફાયર બ્રિગેડ આ તમામ ડ્રાઇવર પાસે કાયમી કર્મચારીઓ જેવી જ કામગીરી
કરાવતું હતું. વર્ષો સુધી નોકરી કરવા છતાં કોર્પોરેશન તમામ ડ્રાઇવરોને કાયમી કરતી
ન હોઇ ઔદ્યોગિક ન્યાય પંચમાં દાદ માગવામાં આવી હતી. સાત વર્ષની કાનુની લડત બાદ
તા.૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઔદ્યોગિક ન્યાય પંચે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને
ધ્યાને લઇ તમામ ૨૦ કર્મચારીઓને વર્ષ ૨૦૧૮થી કાયમી કર્મચારી ગણવાનો અને ૧ જાન્યુઆરી
૨૦૨૪થી નાણાંકીય લાભો ચૂકવવાનો આદેશ કર્યો હતો.
અદાલતે એક મહિનામાં ચૂકાદાનો અમલ કરી તમામ નાણાંકીય લાભો ચૂકવી
આપવાનો આદેશ કર્યો હોઇ કર્મચારીઓમાં ભારે ખુશી ફેલાઇ હતી જો કે, ચૂકાદો
આવ્યાના ચાર મહિના બાદ પણ પાલિકાએ ચૂકાદાનો અમલ ન કરતા કર્મચારીઓમાં રોષ અને
નિરાશા ફેલાઇ છે. આ ચૂકાદા બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે,
આ બાબત તેમના ધ્યાન પર નથી એટલે લીગલ ડિપાર્ટમેન્ટ પાસેથી વિગતો
મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ જણાવ્યું
હતું કે, આટલી મોંઘવારીમાં તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ
છે. જો તેમને કાયમી કરવામાં આવે તો આર્થિક રીતે ઘણી રાહત મળી શકે તેમ છે.