વડોદરાઃ ગત વર્ષે થયેલા ભારે વિરોધના પગલે સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીને થોડા સમય માટે બ્રેક વાગી ગઈ હતી.જોકે એ પછી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાંખવાનું ફરી શરુ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં વીજ કંપની ૪ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી ચૂકી છે.
મળતી વિગતો પ્રમાણે મધ્ય ગુજરાતમાં વીજ કંપનીના ૩૫ લાખ જેટલા ગ્રાહકો છે.તેની સામે ચાર લાખ સ્માર્ટ મીટર નાંખવામાં આવ્યા છે.વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વડોદરા શહેરમાં ૮૫૦૦૦, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં મળીને ૯૦૦૦૦, વડોદરા ગ્રામ્ય તેમજ છોટાઉદેપુરમાં ૮૦૦૦૦, આણંદ જિલ્લામાં ૭૫૦૦૦ અને ખેડા જિલ્લામાં ૭૦૦૦૦ જેટલા સ્માર્ટ મીટરો ફિટ કરવામાં આવ્યા છે.આ તમામ મીટરો પર પણ પરંપરાગત મીટરની જેમ ગ્રાહકોને પોસ્ટ પેઈડ બિલ જ આપવામાં આવી રહ્યું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે નવા જોડાણો આપવામાં, સોલર જોડાણ લેનારા ગ્રાહકોને ત્યાં, સરકારી કચેરીઓમાં તો સ્માર્ટ મીટર લગાવાઈ જ રહ્યા છે પરંતુ હવે રહેણાંક વિસ્તારોમાં પણ જૂના મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવી રહ્યા છે.જોકે જ્યાં વિરોધ થાય છે ત્યાં ગ્રાહકોને સમજાવીને સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સ્માર્ટ મીટર પ્રોજેકટ શરુ કરાયો ત્યારે રોજના ૬૦૦૦ કરતા વધારે મીટરો લગાવવાનું ટાર્ગેટ હતું.જોકે અત્યારે રોજના ૩૫૦૦ જેટલા મીટરો લગાવવામાં આવી રહ્યા છે.