Vadodara Crime : વડોદરામાં ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ ઝઘડતા બંને પક્ષો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. જેમાં છ જેટલી વ્યક્તિઓને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી. નવાપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તેમની ધરપકડ કરી હતી.
ક્રિષ્ના માળીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા કાકા મહેન્દ્રભાઈ માળીનો ફુલ વેચવાના ધંધા બાબતે જીતુભાઈ માળી સાથે ઝઘડો થતા સમાધાન થયું હતું. જોકે ત્યારબાદ સંજય, હાર્દિક, જયંતિ અને જીતુભાઈ અચાનક મારા ઘરે ઘસી આવી મારા પિતા મહેશ માળીને અપશબ્દો કહી હુમલો કર્યો હતો. મારા પિતાને છોડાવવા વચ્ચે પડતા ચારેય શખ્સોએ મને લાકડીના દંડા વડે માર માર્યો હતો. તેમજ મારા દાદી લક્ષ્મીબેન તથા કાકી લતાબેનને પણ અપશબ્દો કહી ગડદાપાટુનો માર મારતા અમને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. ચારેય શખ્સોએ “તમે કેમનો ધંધો કરો છો તમને જોઈ લઈશ” તેવી ધમકી આપી હતી. જ્યારે હાર્દિક માળીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા મામા જીતુભાઈ માળી વેરાઈ માતા ચોક ખાતે કેળાની લારી લગાવી વેપાર કરી રહ્યા હતા. તે વખતે મહેન્દ્ર માળીએ જીતુભાઈને અપશબ્દો કહી માર માર્યો હતો. ત્યારબાદ મહેન્દ્રભાઈ તેમની પત્ની લતાબેન, મહેશભાઈ તથા ક્રિષ્નાભાઈ માળી અચાનક મારા ઘરે આવી “તારા લીધે ઝઘડો થયો છે, તને તો મારીને હલકો કરવો પડશે” તેમ કહી મને અપશબ્દો કહી ગડદપાટુનો માર માર્યો હતો. મારા મામા જયંતીભાઈ માળી છોડાવવા વચ્ચે પડતા ક્રિષ્નાએ લાકડીનો ફટકો માર્યો હતો. અમને બંનેને ઓછીવત્તી ઇજા પહોંચી છે.