Surat Corporation : સુરત પાલિકાની વિપક્ષની કચેરીમાં આજે વિપક્ષે પક્ષની પત્રકાર પરિષદ કરી પરંતુ શાસકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેના માટે પાલિકામાં એવી ચર્ચા થઈ રહી છે કે, પાલિકાના કાર્યક્રમમાં ભાજપ સંગઠનને મહત્વ છતાં વિપક્ષ ચૂપ હતો હવે પાલિકા કચેરીમાં વિપક્ષની પત્રકાર પરિષદ તો શાસકો ચૂપ છે.
ગત મહિને સુરત પાલિકાના લોકાર્પણ અને ખાત મુર્હૂતનો કાર્યક્રમ થયો હતો તેમાં પ્રોટોકોલ બાજુએ મૂકીને સુરતના મેયર-સાંસદને બાજુ કરીને શહેર પ્રમુખને કેન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું હતું. સુરત પાલિકાના કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં સુરતના મેયર અને પાલિકાના પદાધિકારીઓને જ અગ્ર સ્થાન આપવામાં આવે છે. પાલિકા જો વડાપ્રધાનનો કાર્યક્રમ કરે તો પણ શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયરને અગ્ર સ્થાન આપવામાં આવે છે પરંતુ પાલિકાના કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી અને સાંસદ મુકેશ દલાલ કરતાં શહેર પ્રમુખ પરેશ પટેલને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકાના કાર્યક્રમાં મેયરના બદલે ભાજપના પ્રમુખને સ્થાન અપાયા છતાં વિપક્ષ ચૂપ રહ્યો હતો. હવે વિપક્ષે પાલિકામાં પત્રકાર પરિષદ કરી છે તો શાસકો ચુપ છે તેથી શાસક વિપક્ષ ભાઈ-ભાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.