India-America Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી-2025માં કહ્યું હતું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ (USAID)એ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના ઈરાદાથી ભારતને 21 મિલિયન ડૉલર (લગભગ 172 કરોડ રૂપિયા)નું ફંડ ફાળવ્યું હતું. ટ્રમ્પના આ દાવા બાદ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે હવે અમેરિકન દૂતાવાસે ટ્રમ્પના દાવાની પોલ ખોલી નાખી છે.
USAIDએ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ફન્ડિંગ કર્યું નથી : અમેરિકન દૂતાવાસ
દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ‘USAID દ્વારા નાણાંકીય વર્ષ 2014થી 2024 દરમિયાન ભારતની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ફન્ડિંગ કરવામાં આવ્યું નથી, એટલું જ નહીં આવી કોઈપણ ગતિવિધિ લાગુ કરવામાં આવી નથી.’ દૂતાવાસનું આ નિવેદન ટ્રમ્પના દાવાથી બિલકુલ વિપરીત છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પની સંપત્તિમાં ધરખમ વધારો, સાત મહિનામાં 870 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા
ટ્રમ્પ શું બોલ્યા હતા?
ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી-2025માં દાવો કર્યો હતો કે, ‘ભારત સરકાર USAIDના ફંડનો ઉપયોગ ચૂંટણી સંબંધીત પ્રવૃત્તિઓમાં કરી રહી છે. ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં 21 મિલિયન ડૉલરનો ખર્ચ કરવાની કેમ જરૂર છે? મને લાગે છે કે, તેઓ અન્યને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’ ટ્રમ્પના આ દાવાએ ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારોને નવો રંગ આપી દીધો હતો.
સંસદમાં રજૂ કરાયા પુરાવા
ટ્રમ્પના દાવા મામલે ભારતીય સંસદમાં બે જુલાઈએ રજૂ કરાયેલા પુરાવામાં પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પુરાવા મુજબ, અમેરિકન દુતાવાસે ડેટા શેર કર્યો છે, જેમાં 2014થી 2024 દરમિયાન ભારતને અપાયેલા યુએસએઆઈડી ભંડોળનો ઉલ્લેખ કરાયો છે. ડેટામાં અમલીકરણ ભાગીદારો, ઉદ્દેશ્યો અને દરેક પ્રવૃત્તિની મુખ્ય સિદ્ધિઓની વિગતો સામેલ છે. અમેરિકન દૂતાવાસે ભારતના વિદેશ મંત્રાલયને સૂચના આપી છે કે, ‘ભારતમાં 2014થી 2024 સુધી મતદાર ભાગીદારી વધારવા માટે યુએસએઆઈડી ઈન્ડિયાએ કોઈ ફંડ મેળવ્યું નથી અને મળ્યું પણ નથી.’ દૂતાવાસે એમ પણ કહ્યું કે, ‘ભારતમાં યુએસએઆઈડીની તમામ સંચાલન કામગીરી 15 ઓગસ્ટ-2024થી બંધ કરી દેવાઈ છે.’
આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષીય સીરિઝ નહીં રમે, પણ એશિયા કપમાં અમે રમતા ન રોકી શકીએ : સરકારનો જવાબ