મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશની સ્ટીલ આયાત ૧.૦૧ કરોડ ટન સાથે નવ વર્ષની ઊંચી સપાટીએ રહી છે. ફિનિશ્ડ ફલેટ સ્ટીલની આયાતમાં વધારો અને સ્ટીલની નિકાસમાં ઘટાડાને પરિણામે વિતેલા નાણાં વર્ષમાં ભારત સ્ટીલનો નેટ આયાતકાર દેશ રહ્યો છે.
નાણાં વર્ષ ૨૦૨૨માં ૧.૮૫ કરોડની ટોચે રહ્યા બાદ ભારતની સ્ટીલ નિકાસ છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટી રહી છે અને ગયા નાણાં વર્ષમાં ૬૯.૫૦ લાખ ટન રહી હતી. આમ ત્રણ વર્ષમાં નિકાસમાં ૬૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
દક્ષિણ કોરિઆ, ચીન તથા જાપાન ખાતેથી સસ્તી આયાતને કારણે ઘરઆંગણે સ્ટીલના ભાવ દબાણ હેઠળ રહ્યા કરે છે.
નાણાં વર્ષ ૨૦૧૬ બાદ નાણાં વર્ષ ૨૦૨૫માં દેશનું સ્ટીલ આયાત વોલ્યુમ સૌથી ઊંચુ જોવા મળ્યું છે. નાણાં વર્ષ ૨૦૧૬માં કુલ આયાત આંક ૧.૧૮ કરોડ ટન રહ્યો હતો.
ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય ભાવમાં વ્યાપક તફાવતને પરિણામે દેશની સ્ટીલ નિકાસ બિનસ્પર્ધાત્મક બનતી જાય છે અને સસ્તી આયાત વધી રહી છે.
દેશમાં ઓટોમોબાઈલ તથા તેના સ્પેરપાર્ટસમાં વપરાતા ફિનિશ્ડ ફલેટ સ્ટીલની આયાતમાં વધારો થતાં સ્ટીલની એકંદર આયાત વધી રહી હોવાનું સ્ટીલ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
સ્ટીલની આયાતમાં વધારો થતાં સરકારે છેવટે સ્ટીલ પર ૧૨ ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં માળખાકીય ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો થવા સાથે સ્ટીલની માગમાં વધારો થવાની શકયતા નકારાતી નથી.