– નિશ્ચિત સમયમાં બિલો મંજૂર કરવા મુદ્દે સુપ્રીમમાં સુનાવણી
– રાજ્યપાલ બિલોને મંજૂરી ના આપે તો તેના રાજકીય ઉકેલ લાવી શકાય, પરંતુ કોર્ટ સમય મર્યાદા નિશ્ચિત કરી શકે નહીં ઃ કેન્દ્ર
નવી દિલ્હી: બંધારણીય પદાધિકારીઓ યોગ્ય ફરજ ના બજાવે અથવા રાજ્ય વિધાનસભા દ્વારા પાસ કરવામાં આવેલા બિલો પર રાજ્યપાલ નિષ્ક્રિય થઈને બેસી રહે તો શું બંધારણીય કોર્ટો હાથ બાંધીને બેસી રહે અને એવું કહે કે અમે કશું કરી શકીએ તેમ નથી તેવો સવાલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યો હતો. આ સાથે સુપ્રીમે કહ્યું કે, ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની મરજી મુજબ ચાલવા ના દેવાય.
રાજ્યપાલ બિલો પર નિષ્ક્રિય થઈને બેસી રહે તો શું કોર્ટ હાથ બાંધીને બેસી રહે, અમારે કોઈક તો નિર્ણય કરવો પડે ઃ સુપ્રીમ
રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવી અથવા પાછા મોકલવા માટે ૯૦ દિવસની સમય મર્યાદા નિશ્ચિત કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. આ બેન્ચમાં સામેલ અન્ય ન્યાયાધીશોમાં સૂર્યકાંત, વિક્રમ નાથ, પીએસ નરસિંહા અને એએસ ચંદુરકરનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે શું રાજ્યપાલને કોઈ બિલને હંમેશા રોકી રાખવાની મંજૂરી આપી શકાય? જો હા, તો શું તેનો અર્થ એ નહીં થાય કે એક ચૂંટાયેલી સરકાર હંમેશા રાજ્યપાલની વ્યક્તિગત પસંદ અથવા ઈચ્છા પર નિર્ભર રહેશે? કોર્ટને ચિંતા એ છે કે રાજ્યપાલ કોઈ બિલને હંમેશા માટે રોકી શકે તો જનતા દ્વારા ચૂંટાયેલી સરકારની શક્તિ નબળી થઈ જશે અને રાજ્યપાલનો વ્યક્તિગત નિર્ણય ખૂબ જ મજબૂત થઈ જશે.
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુરુવારે કહ્યું કે, વિધાનસભા દ્વારા પાસ કરાયેલા બિલો પર કેટલાક રાજ્યપાલો કોઈ નિર્ણય ના લે તો તેનો રાજકીય રીતે ઉકેલ લાવી શકાય છે, પરંતુ કોર્ટ તેના માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકે નહીં. મહેતાએ કહ્યું કે, દેશમાં દરેક સમસ્યાનું સમાધાન રોપ્ચ લાવી શકે નહીં. રાજ્યપાલો બિલોને મંજૂરી ના આપે તો મુખ્યમંત્રી આ સંબંધમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળી શકે છે અને તેમની સાથે બિલ સંબંધિત ચર્ચા કરી શકે છે.
તુષાર મહેતાએ કલમ ૨૦૦નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું બંધારણની આ જોગવાઈ મુજબ રાજ્યપાલની શક્તિઓ વ્યાપક છે અને તેના દાયરામાં તેઓ પોતાના વિવેકથી કોઈ બિલ પર નિર્ણય લઈ શકે છે. બંધારણીય અને રાજકીય શિષ્ટતાનું પાલન કરતા રાજ્યપાલ નિર્ણય લે છે અને તેના માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરવી ખોટું છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંધારણીય સંસ્થા છે. એ જ રીતે કોર્ટ પણ બંધારણીય સંસ્થા છે. સવાલ એ છે કે એક બંધારણીય સંસ્થા પોતાની સમકક્ષ બીજી સંસ્થા માટે સમય મર્યાદા કેવી રીતે નિશ્ચિત કરી શકે?
મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે કોઈ બંધારણીય સંસ્થા ભૂલ કરે છે તો સમાધાનની જરૂર છે. આ કોર્ટ બંધારણનું જ એક અંગ છે. એક બંધારણીય સંસ્થા કોઈ વ્યાજબી કારણ વિના પોતાનું કામ નથી કરી રહી તો શું કોર્ટે એમ કહેવું જોઈએ કે અમે શક્તિહીન છીએ અને અમારા હાથ બંધાયેલા છે? અમારે કંઈક તો નિર્ણય કરવો પડશે. આ મુદ્દે ન્યાયાધીશ નરસિંહાએ કહ્યું કે, ઠીક છે, અમે સમય મર્યાદા નિશ્ચિત નહીં કરીએ, પરંતુ એક પ્રોસેસ તો હોવી જ જોઈએ.