Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલાએ માણસાઈને શર્મસાર કરી દીધી છે. ધોળા દહાડે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની ક્રૂર હત્યા કરી છે. પહલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર કરી 26 લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં સ્થાનિકો અને સુરક્ષાકર્મીઓ મદદે દોડી આવ્યા હતાં. જેમાં પર્યટકોને ઘોડેસવારી કરાવતો સૈયદ આદિલ શાહ ઉપરાંત તેના એક સાથીએ લોકોને આતંકવાદીઓથી બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા. એક સ્થાનિક ઘોડાવાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જે એક બાળકને પીઠ પર ઊંચકી ઝડપથી હોસ્પિટલ જઈ રહ્યો હતો. આ વ્યક્તિનું નામ સાજિદ અહમદ ભટ છે.
સાજિદ ભટે જણાવ્યું કે, હું ઘરે બેઠો હતો. ઘરે કાકીનું મોત થયું હોવાથી અનેક લોકો ઘરે આવ્યા હતાં. તે સમયે મને પોની એસોસિએશન અધ્યક્ષનો ફોન આવ્યો કે, બૈસરનમાં કોઈ ઘટના ઘટી છે. અમે લોકો તમામ ઘોડેસવારોને બચાવી લઈશું. આ સાંભળી હું જોવા ગયો. મારી અમુક લોકો પણ આવ્યા હતા. અમે ડરેલા પર્યટકોને પાણી પીવડાવ્યું. અને તેમને સમજાવ્યું કે, તમે ડરશો નહીં, અમે તમારા ભાઈ છીએ. બૈસરન ખીણમાં અનેક લોકો ઘાયલ હતાં. તેઓ રડી રહ્યા હતાં. મારી સાથે અન્ય ઘોડાવાળાઓએ પણ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી રહ્યા હતાં. એક બાળકે મને કહ્યું કે, અંકલ મને બચાવી લો. હું તેને ખભા પર ઊંચકી હોસ્પિટલ લઈ ગયો હતો. રસ્તામાં તેને દિલાસો આપતો રહ્યો કે, તમારે ડરવાની જરૂર નથી. રસ્તામાં પાણી પણ પીવડાવતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક
આતંકવાદીઓએ માણસાઈની હત્યા કરી
સાજિદ ભટે કહ્યું કે, આ હુમલાથી આતંકવાદીઓએ માણસાઈની હત્યા કરી છે. આના કરતાં તો તેઓ અમને મારી નાખતાં. બધાના ઘરમાં માતમનો માહોલ છે. દુકાનો બંધ છે. અમારા એક સાથીએ પણ જીવ ગુમાવ્યો છે. અમે ઘાયલોને ગમે-તેમ કરીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ હુમલાથી અમારો કામ-ધંધો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે.
ત્રણ આતંકીની ઓળખ
પહલગામ હુમલા બાદ સુરક્ષાદળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ હુમલાના ત્રણ આતંકવાદીઓની ઓળખ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય આતંકવાદી લશ્કર-એ-તૈયબાના છે. જેમાં બે પાકિસ્તાની હાસિમ મૂસા ઉર્ફ સુલેમાન, અલી ઉર્ફ તલ્હા અને એક સ્થાનિક આદિલ હુસૈન ઠોકર તરીકે થઈ છે. આ ત્રણેયની ભાળ આપનારા માટે 20-20 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતે પાકિસ્તાન પર કરી કાર્યવાહી
આતંકવાદને સમર્થન આપતાં પાકિસ્તાન પર ભારતે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. સિંધુ જળ સંધિ પર રોક ઉપરાંત, પાકિસ્તાન હાઈકમિશનની સંખ્યા ઘટાડી, પાકિસ્તાની વિઝા 27 એપ્રિલ બાદ રદ કરવા સહિતના પગલાંઓ લીધા છે. પાકિસ્તાનીઓને 27 એપ્રિલ પહેલાં ભારત છોડવા આદેશ આપી દીધો છે. પાકિસ્તાનીઓના મેડિકલ વિઝા પણ 29 એપ્રિલ સુધી જ માન્ય રહેશે.