બે દિવસ પહેલા શિક્ષકે આ વિદ્યાર્થીને લાફો માર્યો હતો
વિદ્યાર્થી લંચ બોક્સમાં બંદૂક છુપાવીને લાવ્યો હતો : શિક્ષક હોસ્પિટલમાં સારવાર હેઠળ
દેહરાદૂન: ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલી એક ખાનગી શાળામાં ગગનદીપ સિંહ કોહલી ભૌતિક વિજ્ઞાાન ભણાવે છે. આ સપ્તાહની શરૂઆતમાં તેમણે પોતાના એક વિદ્યાર્થીને લાફો માર્યો હતો. આ જ વિદ્યાર્થી લંચ બોક્સમાં બંદૂક લાવ્યો હતો અને તેણે કોહલીની પીઠમાં આ બંદૂકથી ગોળી મારી હતી.
આ ઘટના ગુરુનાનક શાળામાં બની હતી. શિક્ષકને પીઠના ભાગમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં તેમની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.
હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે ગોળી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી છે. કોહલી સ્થિતિ હાલમાં સ્થિર છે અને વધુ સમીક્ષા માટે તેમને આઇસીયુમાં ખસેડવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનાર વિદ્યાર્થી બંદૂક પોતાના લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો. મિડ મોર્નિંગ રિસેશ પછી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
જ્યારે કોહલી વર્ગખંડમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સાક્ષીઓના જણાવ્યા અનુસાર હુમલાખોર વિદ્યાર્થીએ ટિફિન બોક્સમાંથી બંદૂક કાઢી શિક્ષકને ગોળી મારી હતી.
ગોળી માર્યા પછી વિદ્યાર્થી ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ અન્ય શિક્ષકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો.
પોલીેસે આઇપીસીની કલમ ૧૦૯ હેઠળ સગીર વિદ્યાર્થી સામે કેસ દાખલ કર્યો હતો. સત્તાવાળાઓ તપાસ કરી રહ્યાં છે કે વિદ્યાર્થી પાસે બંદૂક ક્યાંથી આવી. બંદૂક પણ જપ્ત કરી લેવામાં આવી છે.