Gaza Peace Plan: હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્તિ તરફ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં શાંતિ સ્થાપવા માટે એક શાંતિ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ ગાઝા પીસ પ્લાન પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પના આ પ્લાનનું ખુલ્લું સમર્થન કર્યું છે. PM મોદીએ ટ્રમ્પના આ પગલાને આવકારીને કહ્યું કે, ‘ભારતનો આ પહેલને સંપૂર્ણ ટેકો છે અને અમે બધા ટ્રમ્પની પહેલને લઈને એકજૂટ થઈશું. આ રીતે અમેરિકાના આ પ્લાનને ભારતનો સાથ મળી ગયો છે. આ પહેલાં આઠ અન્ય દેશોએ પણ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાનને ટેકો આપ્યો છે.’
PM મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘અમે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે જાહેર કરાયેલી એક વ્યાપક યોજનાનું સ્વાગત કરીએ છીએ. આ યોજના પેલેસ્ટાઈન અને ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ પ્રદેશ માટે લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક વ્યવહાર્ય માર્ગ પૂરો પાડે છે. અમે આશા રાખીએ છીએ કે તમામ સંબંધિત પક્ષો ટ્રમ્પની આ પહેલ પાછળ એકજૂટ થશે અને સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.’
ભારત સિવાય આ દેશોએ પણ સમર્થન કર્યું
ભારતની સાથે સાથે કેટલાક મુસ્લિમ દેશોએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાનને આવકાર્યો છે. કતાર, જોર્ડન, યુએઈ (UAE), ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કીયે, સાઉદી અરેબિયા અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ગાઝા યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત કર્યું છે.
શું છે ગાઝા પીસ પ્લાન?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે 20 મુદ્દાનો ગાઝા પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનાના મુખ્ય મુદ્દાઓમાં 72 કલાકમાં તમામ બંધકોને મુક્ત કરવામાં આવશે, ગાઝામાં અસ્થાયી સરકાર પુનઃસ્થાપિત થશે, ગાઝા પર ઇઝરાયલનું કોઈ નિયંત્રણ (કંટ્રોલ) નહીં હોય ‘બોર્ડ ઑફ પીસ’ની અધ્યક્ષતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરશે, આ પ્લાન પર ઇઝરાયલ સહમત છે અને હવે હમાસની સહમતિની રાહ જોવાઈ રહી છે. જો હમાસ આ ગાઝા પ્લાન સ્વીકારવા તૈયાર નહીં થાય, તો અમેરિકા હમાસને ખતમ કરવા માટે ઇઝરાયલને સંપૂર્ણ ટેકો આપશે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ટ્રમ્પનો દાવો છે કે જો હમાસ શાંતિ પ્રસ્તાવ માટે રાજી થઈ જાય તો આગામી 72 કલાકમાં જ યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો હમાસ આ શાંતિ પ્રસ્તાવ મુદ્દે સહમત નહીં થાય તો ઇઝરાયલ હુમલા ચાલુ રાખશે અને અમેરિકા તેનું સમર્થન કરશે. યુદ્ધ સમાપ્ત કરવા ઇઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઇઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક પીસ બોર્ડ (શાંતિ બોર્ડ)નું પણ ગઠન કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે.
ટ્રમ્પે ધમકી પણ આપી છે કે હમાસ આ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે તો ઇઝરાયલ જે કરશે તેને અમેરિકાનું સમર્થન રહેશે. નોંધનીય છે કે 2023થી ચાલુ હમાસ-ઇઝરાયલ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 66 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇઝરાયલના 48 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઇઝરાયલનું માનવું છું કે 48માંથી 20 હજુ જીવિત છે.
ગાઝામાં શાંતિ માટે ટ્રમ્પની યોજનાના મુખ્ય મુદ્દા
– હમાસ 48 કલાકમાં ઇઝરાયલના બંધકોને મુક્ત કરે પછી સ્થાયી યુદ્ધવિરામ લાગુ કરાશે.
– ઇઝરાયલ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવશે.
– ઇઝરાયલ પેલેસ્ટાઈનના બે હજારથી વધુ કેદીઓને છોડશે
– ગાઝામાં નવી સરકાર બનાવાશે જેમાં હમાસ સામેલ નહીં હોય.
– ગાઝા માટે નવી સુરક્ષા ફોર્સ બનાવાશે જેમાં અરબ અને મુસ્લિમ દેશોના સૈનિક હશે.
– હમાસ તમામ હથિયારો છોડશે તથા તમામ સુરંગ નષ્ટ કરી દેવાશે.
– હમાસના જે સભ્યો હિંસા છોડવા તૈયાર હોય તેમને માફ કરી ગાઝામાં જ રહેવાની અનુમતિ અપાશે. જે હિંસા ન છોડવા માંગતા હોય તેમને સુરક્ષિત રીતે ગાઝા છોડવાની મંજૂરી આપવામાં આવશે.