અમદાવાદ,ગુરુવાર,21 ઓગસ્ટ,2025
ત્રણ વર્ષથી અવરજવર માટે હાટકેશ્વર બ્રિજ બંધ કરાયો હતો. રુપિયા
૪૦ કરોડના ખર્ચે વર્ષ-૨૦૧૫માં અજય ઈન્ફ્રાકોન દ્વારા ભ્રષ્ટાચારના પાયા ઉપર
બનાવાયેલા આ બ્રિજને ચાર કરોડના ખર્ચે તોડાશે.કામગીરી ચાર મહીના ચાલશે. હાલ ખોખરા
તરફના છેડેથી બ્રિજ ઉપરના ડામરને કાઢવાની શરુઆત કરાઈ છે.
હાટકેશ્વરબ્રિજને તોડી પાડવા મ્યુનિસિપલ કોર્પોરેશને ૯.૩૧
કરોડનું ટેન્ડર કર્યુ હતુ.જે સામે રુપિયા ચાર કરોડના ખર્ચે શ્રી ગણેશ કન્સ્ટ્રકશન
દ્વારા બ્રિજ તોડી પાડવા ઓફર કરાઈ હતી. કોન્ટ્રાકટરે બ્રિજ તોડવાની કામગીરી સમયે નીકળનાર
સ્ટીલ સહીતના ભંગારને લઈ જવા શરત મુકી હતી. ગુરુવારે સવારથી હાટકેશ્વર બ્રિજના
ઉપરના ભાગમાં કોન્ટ્રાકટર દ્વારા જે.સી.બી. સહીતની અન્ય મશીનરી મુકી બ્રિજ તોડવાની
કામગીરી શરુ કરી હતી.
વર્ષ-૨૦૧૭ માં લોકો માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો
હતો.જોકે તે પછી બ્રિજના સુપર સ્ટ્રકચરમાં અવારનવાર પડેલા ગાબડા પછી બ્રિજની
ગુણવત્તાને લઈ સવાલો ઉઠતા તેને બંધ કરાયો
હતો.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈ.આઈ.ટી.રુરકી સહીતની અલગ અલગ સંસ્થાઓ પાસે
ગુણવત્તાને લઈ રીપોર્ટ કરાવાયો હતો.રીપોર્ટમાં હલકી કક્ષાનુ કોંક્રીટ સહીત અન્ય
મટીરીયલ ઓછુ વપરાયુ હોવાનુ ખુલતા બ્રિજને તોડી નાંખવા ઉલ્લેખ કરાયો હતો.