વડાપ્રધાને ભાજપ કાર્યકર્તાઓને જવાબદારી સોંપી
યુપીએના સમયમાં એક લાખની ખરીદી પર ૨૫,૦૦૦ ટેક્સ લાગતો હતો જે હવે ઘટીને ૫૦૦૦ થયો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન તેમણે દિલ્હીમાં ભાજપ કાર્યકર્તાઓને વિશેષ જવાબદારી સોંપી હતી. તેમણે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે તેમને જાગૃત રહેવાની જરૂર છે.
દિલ્હીમાં મિની ઇન્ડિયા વસે છે. દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લાગવા જોઇએ. આ જવાબદારી ભાજપ કાર્યકરોની છે.
કાર્યકરોની જવાબદારી છે કે જીએસટીનો લાભ સામાન્ય વ્યકિત સુધી પહોંચે. જીએસટી અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે ૨૦૧૪થી પહેલા જો એક સામાન્ય પરિવાર પોતાની રોજિંદી જરૂરિયાત અંગે વર્ષમાં એક લાખ રૂપિયા ખર્ચ કરતું હતું તો તેને ૨૫૦૦૦ રૂપિયા ટેક્સ ચુકવવું પડતું હતું.
તેમણે જણાવ્યું હતું કે અમે ૨૦૧૭માં જીએસટી લઇને આવ્યા તો વસ્તુઓ સસ્તી થઇ અને ટેક્સમાં પણ ઘટાડો કર્યો. તાજેતરમાં જીએસટીમાં કરાયેલા સુધારા પછી હવે પરિવારને એક લાખ રૂપિયાની ખરીદી પર ફક્ત પાંચથી છ હજાર રૂપિયા જ ટેક્સ ચુકવવો પડે છે. ઇન્કમ ટેક્સ અને જીએસટી બંનેમાં આપવામાં આવેલી રાહતને ધ્યાનમાં લેવામાં આવે તો દર વર્ષે દેશના લોકોની અઢી લાખ કરોડ રૂપિયાની બચત થવાની છે. દિલ્હીના લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે દિલ્હી ભાજપ અને સરકાર કઠોર પરિશ્રમ કરી રહી છે. અમે વિકાસ અને વારસોના મંત્રની સાથે આગળ વધી રહ્યાં છે.