Bharuch News : ભરૂચની શ્રવણ ચોકડી પાસેની સોસાયટીમાં ચાલતી કન્સ્ટ્રક્શનની કામગીરી સમયે રેતી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સોસાયટીના મકાનમાં ધડાકાભેર અથડાતા મકાનની દિવાલ અને બીમ તોડી નાખી રૂ.8 લાખનું નુકસાન પહોંચાડવા મામલે મકાન માલિકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
મૂળ ઓડિશાના રહેવાસી અને હાલ ભરૂચની શ્રવણ ચોકડી વી.ડી.ટાઉનશિપમાં રહેતા રવિન્દ્રકુમાર શાહુ દહેજ ખાતે ખાનગી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરે છે. ગઈ તા.15મી ઓગસ્ટના રોજ એક રેતી ભરેલો ટ્રક રવિન્દ્ર કુમારના મકાન સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં મકાનનો બીમ તથા દીવાલો તૂટી ગઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ રવિન્દ્ર કુમારની સોસાયટીમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાક્ટર મેલસીંગ દોલતભાઈએ બાહેધરી લીધી હતી કે, “ટ્રક ને જવા દો તમારું જે નુકસાન થયું છે તે રીપેર કરી આપીશું”. જેથી ટ્રકને લઈ જવા દીધો હતો. થોડા દિવસ બાદ મેલસીંગભાઇએ મકાનની વિઝીટ કરી વધુ ખર્ચ હોવાથી સમારકામનો ઇનકાર કર્યો હતો. કન્સ્ટ્રક્શન એજન્સી મારફતે મકાનના નુકસાનનું એસ્ટીમેન્ટ કાઢતા આશરે રૂ.8 લાખનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. કોન્ટ્રાક્ટર મેલસીંગભાઇએ મકાનના સમારકામનો વાયદો કરી વધુ ખર્ચ હોવાથી ઇનકાર કરતા ફરિયાદ આપી છે. ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે બેદરકારીથી વાહન હંકારવા તથા મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોધી ટ્રક નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી હતી.