Vadodara Robbery Case : વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા સુએજ પંપિંગ સ્ટેશન પાસે રહેતો પરિવાર રાત્રીના સમયે ગરબા જોવા માટે ગયો હતો. તે દરમિયાન ત્રણ જેટલા લૂંટારૂઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા. દરમિયાન દંપતિ આવી જતા લૂંટારું ઘરમાં હાજર જ હતા. હથિયારધારી લુટારુંઓએ દંપતીને જો બુમો પાડશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ત્રણ લાખ રોકડા અને 10 તોલા સોનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જેથી દંપતીએ લૂંટની ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સુએઝ પમ્પિંગ સ્ટેશન ખાતે રહેતો ચુનારા પરિવાર તેમના મકાનની જાળીને તાળું મારી નવરાત્રિના ગરબા જોવા માટે ગયો હતો. તે દરમીયાન મોડી રાત્રિના સમયે ત્રણ લુટારું તલવાર સહિત હથિયારો સાથે આવ્યા હતા અને આ ચુનારા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. લોખંડની જાળીને નકુચો તાળા સાથે કાપી નાખ્યા બાદ તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તિજોરીમાંથી રોકડા ત્રણ લાખ અને 10 તોલા સોનાના દાગીના ચોરી કરી રહ્યા હતા. તે દરમિયાન દંપતિ ગરબા જોઈને પરત આવ્યું હતું. ત્યારે તેમના મકાનની જાળી ખુલ્લી હતી અને ત્રણ શખ્સ ઘરમાં હતા. જેવું દંપતિ બાળકીને લઈને ઘરમાં આવ્યું હતું કે આ લૂંટારુંઓએ બૂમો પાડશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. તેમ કહી તેમની દીકરીના ગળા પર તલવાર મૂકી લાખોની મતાની લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેથી પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યો દ્વારા પોલીસે દ્વારા રાત્રિના સમયે અમારા વિસ્તારમાં કોઈ પ્રકારનું નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી તેવું જણાવવામાં આવ્યું હતું.