Vadodara : શારીરિક અને માનસિક અત્યાચારથી ત્રાસીને મહિલાઓ દ્વારા આત્મહત્યા કરવાના બનાવો બનતા હોય છે ત્યારે વડોદરામાં ત્રણ સંતાનના પિતાએ તેની પત્નીથી ત્રાસી જઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા તેની બહેને ભાભી અત્યાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટીમાં રહેતી વર્ષા વણકરે પોલીસને કહ્યું છે કે, મારો ભાઈ યોગેશ વાલજીભાઈ પરમાર ગોરવા સી.કે પ્રજાપતિ સ્કૂલ પાસે શ્રીજી ટેનામેન્ટમાં તેની પત્ની અંકિતા ઉર્ફે અનિતા ઉર્ફે અન્નુ અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. મિડલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતો મારો ભાઈ તેની પત્નીના ત્રાસથી ખૂબ જ કંટાળી ગયો હતો.
માલમિલકત અને લોકરમાં નામ ચડાવવા માટે ઝઘડા કરતી હતી
વર્ષાબેને પોલીસ ફરિયાદમાં આવ્યો આક્ષેપ કર્યો છે કે મારી ભાભી માલ મિલકત અને લોકરમાં તેનું નામ ચડાવવા માટે વારંવાર મારા ભાઈ સાથે ઝઘડા કરતી હતી. જેથી મારા ભાઈએ મારી મોટી બહેન અને બનેવીને પણ જાણ કરતા તેમણે સમાધાનના પ્રયાસો કર્યા હતા અને મારા ભાભી ગુસ્સાવાળા હોવાથી માંડ માંડ શાંત કર્યા હતા.
જમવાનું બનાવતી નહોતી, દરવાજો ખોલતી ન હતી.. યોગેશ ઘરની બહાર પણ બેસી રહેતો હતો
મહિલાએ ફરિયાદમાં એવું પણ આક્ષેપ કર્યો છે કે, મારી ભાભી મારા ભાઈ માટે સવારે નાસ્તો બપોરે જમવાનું કે સાંજે રસોઈ બનાવતી ન હતી અને બહાર જમવાની ટેવ વાળી હતી. નોકરીથી ઘેર આવ્યા બાદ મારી ભાભી આખી રાત ઝઘડો કરતી હતી જેના લીધે મારા ભાઈ યોગેશને ઘરની બહાર બેસી રહેવું પડતું હતું. તારે તો મારી ભાભી દરવાજો પણ ખોલતી ન હતી.
નોકરી દરમિયાન લોકેશન ચાલુ રખાવતી.. ખર્ચા પૂરા કરવા વ્યાજનો ધંધો શરૂ કર્યો
વર્ષાબેન એમ પણ કહ્યું છે કે, મારી ભાભી અનિતા મારા ભાઈનું નોકરી દરમિયાન લોકેશન ચાલુ રખાવતી હતી. જો મારા ભાઈનું લોકેશન અમારા ઘર તરફ આવતું હોય તો તે ત્યાં નહીં જવા માટે દબાણ કરતી હતી. મારી ભાભીના ખર્ચા એટલા બધા હતા કે મારા ભાઈને વ્યાજનો ધંધો કરવાની ફરજ પડી હતી.
પહેલા પણ આત્મહત્યાની કોશિશ કરી હતી, ચાર દિવસ પહેલા મેસેજ મોકલ્યો હતો,ઈજાના નિશાન પણ હતા
વર્ષાબેનનું કહેવું છે કે, મારા ભાભીના ત્રાસથી કંટાળીને મારા ભાઈ યોગેશએ મારી સામે અગાઉ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મારા ભાઈએ તા.18મી એપ્રિલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો તેના ચાર દિવસ પહેલા એટલે કે તા.14 માર્ચે મારા ભાઈએ મારા પતિને ફોન કરીને અનિતાથી કંટાળી ગયેલો છું મને કોઈ છુટકારો નહીં અપાવે તો હું મરી જઈશ તેમ કહ્યું હતું. મારા ભાઈ મૃત્યુ પામ્યા ત્યારે તેના શરીર પર નખના નિશાન પણ હતા. આ ઉપરાંત તેણે મારા ભાઈના મોબાઈલના ડેટા તેમજ સોશિયલ મીડિયાના ડેટા પણ ડીલીટ કરી દીધા હતા. જેથી પોલીસે અંકિતા ઉર્ફે અનુ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.