ચાઈના, દક્ષિણ કોરિયાના શેરબજારો તરફ વળતાં ફોરેન ફંડો
મુંબઈ : વિશ્વને ટેરિફના નામે અનિશ્ચિતતામાં ધકેલનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી તરફ યુક્રેન મામલે રશીયાને યુદ્વનો અંત લાવવા મનાવવામાં હાલ તુરત નિષ્ફળ રહ્યા હોવા સામે રશીયા, ચાઈના એક બનીને અમેરિકાને હંફાવવા રણનીતિ ઘડી રહ્યા હોઈ અમેરિકાની વધતી અકળામણ વચ્ચે આજે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં પણ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ફરી હેમરિંગ કર્યું હતું. ભારતને આકરાં ટેરિફ લાદીને દબાણ લાવવાના પ્રયાસ સામે ભારતના રશીયા સાથેના સંબંધ વધુ મજબૂત બની રહ્યા હોઈ ગિન્નાયેલા ટ્રમ્પ ગમે તે ઘડીએ ભારત સામે વધુ અંકુશાત્મક પગલાં લેશે એવી ભીતિએ અને બીજી તરફ નિષ્ણાંતો ભારતીય બજારોને બદલે ચાઈના અને દક્ષિણ કોરિયાના બજારો રોકાણ માટે વધુ આકર્ષક હોવાનો મત વ્યક્ત કરવા લાગતાં વિદેશી ફંડોની વેચવાલી વધવાની ધારણાએ પણ આજે તેજીનો વેપાર હળવો થયો હતો. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું હેમરિંગ થયું હતું. સેન્સેક્સ ૬૯૩.૮૬ પોઈન્ટ તૂટીને ૮૧૩૦૬.૮૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૧૩.૬૫ પોઈન્ટ તૂટીને ૨૪૮૭૦.૧૦ બંધ રહ્યા હતા. ચાઈનાના શાંઘાઈ શેર બજારમાં ચીપ કંપનીઓના શેરોમાં તોફાની તેજી પાછળ સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૯૦ પોઈન્ટ ઉછળ્યો હતો.
બેંકેક્સ ૬૬૦ પોઈન્ટ તૂટયો : કોટક બેંક રૂ.૩૪ તૂટી રૂ.૧૯૮૪ : ફેડરલ બેંક, એચડીએફસી બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી હેમરિંગ થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૯.૯૧ પોઈન્ટ તૂટીને ૬૧૪૭૪.૯૩ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૩.૯૦ ઘટીને રૂ.૧૯૮૩.૭૦, ફેડરલ બેંક રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૯૬.૪૫, એચડીએફસી બેંક રૂ.૨૫.૪૫ ઘટીને રૂ.૧૯૬૪.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૦ ઘટીને રૂ.૨૪૦.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૦૫ ઘટીને રૂ.૮૧૬.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૬૦ ઘટીને રૂ.૭૫૯.૯૫, એક્સિસ બેંક રૂ.૮.૯૦ ઘટીને રૂ.૧૦૭૦.૪૦ રહ્યા હતા. ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં શેર ઈન્ડિયા રૂ.૫.૪૫ ઘટીને રૂ.૧૫૧.૭૦, અરમાન ફાઈ. રૂ.૫૧.૮૦ ઘટીને રૂ.૧૪૬૬.૪૦, એડલવેઈઝ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૯૩.૭૦, આઈડીબીઆઈ બેંક રૂ.૨.૬૧ ઘટીને રૂ.૯૫, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૫૬૨.૮૦ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સ ૪૦૩ પોઈન્ટ ગબડયો : લોઈડ્સ રૂ.૩૬ ઘટી રૂ.૧૩૫૭ : ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ ઘટયા
ચાઈનાના બજારોમાં ઝડપી રિકવરી સાથે ફંડોનું શાંઘાઈ શેર બજારમાં રોકાણ આકર્ષણ વધ્યા સામે ભારત પરની અમેરિકાની ભીંસ વધી રહી હોઈ એલ્યુમીનિયમ, સ્ટીલ સહિતની નિકાસોને અસર પડવાની ભીતિએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફરી વેચવાલી રહી હતી. લોઈડ્સ મેટલ રૂ.૩૬.૧૦ ઘટીને રૂ.૧૩૫૭, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૩.૦૫ ઘટીને રૂ.૨૩૨૪.૬૫, ટાટા સ્ટીલ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૫૮.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૮.૨૫ ઘટીને રૂ.૧૦૫૩.૯૫, નાલ્કો રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૮૮.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૦૩.૦૫ પોઈન્ટ ઘટીને ૩૧૨૩૩ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સેલિંગ : બ્લેક બોક્સ રૂ.૧૧ ઘટી રૂ.૪૭૯ : ઝેનસાર, એક્સચેન્જિંગ, ક્વિક હિલ ઘટયા
ઓનલાઈન મની બેઝડ ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરીના પરિણામે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ વધતું જોવાયું હતું. બ્લેક બોક્સ રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૪૭૯.૫૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૭૯૨.૭૦, આઈકેએસ રૂ.૩૨.૭૫ ઘટીને રૂ.૧૫૫૪.૯૦, એક્સચેન્જિંગ રૂ.૧.૮૦ ઘટીને રૂ.૮૭.૪૨, ક્વિક હિલ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૩૦૨, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૬.૪૦ ઘટીને રૂ.૧૪૬૬.૪૫, ટીસીએસ રૂ.૪૭.૫૫ ઘટીને રૂ.૩૦૫૩.૬૫, ટાટા એલેક્સી રૂ.૮૨ ઘટીને રૂ.૫૫૭૯.૨૫, સાસ્કેન રૂ.૧૯.૫૦ ઘટીને રૂ.૧૪૩૩.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૧.૪૮ પોઈન્ટ ઘટીને ૩૪૭૬૮.૮૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડો હળવા થયા : ગોડફ્રે ફિલિપ રૂ.૫૬૬ તૂટયો : એલટી ફૂડ, અવધ સુગર, પરાગ ઘટયા
એફએમસીજી શેરોમાં પણ ફંડો આજે સાવચેતીમાં વધુ હળવા થયા હતા. તાજેતરના દિવસોમાં વેલ્યુબાઈંગ બાદ નફારૂપી વેચવાલી નીકળી હતી. ગોડફ્રે ફિલિપ રૂ.૫૬૫.૭૫ ઘટીને રૂ.૧૦,૫૬૫, એલટી ફૂડ્સ રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૪૩૩.૯૫, અવધ સુગર રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૪૪૨, સીસીએલ રૂ.૨૧.૬૫ ઘટીને રૂ.૮૮૨.૦૫, કોલગેટ પામોલીવ રૂ.૫૧ ઘટીને રૂ.૨૨૯૮.૮૫, પરાગ મિલ્ક રૂ.૫ ઘટીને રૂ.૨૩૫.૧૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૩.૬૫ ઘટીને રૂ.૪૯૨૬.૩૫, આઈટીસી લિમિટેડ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૩૯૮.૩૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૧૫.૦૨ પોઈન્ટ ઘટીને ૨૦૫૨૨.૧૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને બ્રેક : એશીયન પેઈન્ટ રૂ.૬૩ ઘટીને રૂ.૨૫૦૪ : વ્હર્લપુલ, બાટા ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી પસંદગીની નફારૂપી વેચવાલી રહી હતી. એશીયન પેઈન્ટ રૂ.૬૨.૬૫ ઘટીને રૂ.૨૫૦૪.૨૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૧૨૯૭.૯૦, ક્રોમ્પ્ટન રૂ.૪.૨૦ ઘટીને રૂ.૩૧૬.૭૫, બાટા ઈન્ડિયા રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૧૧૦૫.૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૯૬.૮૫ પોઈન્ટ ઘટીને ૬૦૬૭૩.૩૦ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ : બીપીસીએલ, રિલાયન્સ, આઈઓસી, ઓએનજીસીમાં ઘટાડો
ઓઈલ-ગેસ શેરોમાં પણ આજે ફંડોએ આંશિક નફો બુક કરતાં નરમાઈ જોવાઈ હતી. બીપીસીએલ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૩૧૬.૫૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૩૫ ઘટીને રૂ.૧૪૦૯.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૩૯.૯૫, ઓએનજીસી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૨૩૬.૩૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૨૦ ઘટીને રૂ.૧૭૬.૬૦, એચપીસીએલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૩૯૦.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૧૨.૩૭ પોઈન્ટ ઘટીને ૨૬૨૨૬.૦૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ઉછાળે આંચકા : હ્યુન્ડાઈ રૂ.૮૨ ઘટીને રૂ.૨૩૬૭ : મધરસન, ભારત ફોર્જ, હીરો મોટો ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ઉછાળે આંચકા આવ્યા હતા. ચોમાસાની સારી પ્રગતિ છતાં હજુ ટ્રમ્પ ટેરિફ મામલે અનિશ્ચિતતા વધવાની અમુક વર્ગમા અટકળો અને જીએસટી દરોમાં ફેરફાર પૂર્વે સાવચેતીમાં તહેવારોમાં વાહનોની અપેક્ષિત ખરીદી નહીં થવાની ધારણાએ પણ શેરોમાં સાવચેતી જોવાઈ હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૮૧.૮૫ ઘટીને રૂ.૨૩૬૭.૧૫, મધરસન સુમી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૯૫.૧૭, ભારત ફોર્જ રૂ.૩૦.૪૦ ઘટીને રૂ.૧૧૨૩.૧૫, હીરો મોટોકોર્પ રૂ.૯૯.૨૦ ઘટીને રૂ.૪૯૯૭.૮૦, ટીઈઆ ઈન્ડિયા રૂ.૨૩.૭૦ ઘટીને રૂ.૩૦૭૧, ટાટા મોટર્સ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૬૮૦.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૪.૮૬ પોઈન્ટ ઘટીને ૫૬૬૬૯.૭૬ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૧૬૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૬૨૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૧૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૦૧કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૦,૧૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૩૬ કરોડની વેચવાલી કરી હતી.
સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડોનું પ્રોફિટ બુકિંગ વધ્યું : ૨૩૨૨ શેરો નેગેટીવ બંધ
ફંડોએ આજે ઈન્ડેક્સ બેઝડ મોટું સેલિંગ કર્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલી કરતાં સપ્તાહના અંતે માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૫૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૫૭ અને ઘટનારની ૨૩૨૨ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૬૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૩.૬૫ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આંચકા સાથે ઘણા શેરોમાં વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ ૨.૬૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૩.૬૫ લાખ કરોડ રહ્યું હતું.