Image Source: Twitter
Indigenous Stealth Jet: ભારત અને ફ્રાન્સ હવે સાથે મળીને એક શક્તિશાળી જેટ એન્જિન બનાવશે. આ એન્જિન ભારતનાં સ્વદેશી ફિફ્થ જનરેશનના સ્ટીલ્થ ફાઇટર અને અન્ય આધુનિક વિમાનો માટે હશે. આ પ્રોજેક્ટથી બંને દેશોની ભાગીદારી વધુ મજબૂત થશે. આ પ્રોજેક્ટમાં 100% ટેકનોલોજી ટ્રાન્સફર થશે. તેનો ટાર્ગેટ ભારતમાં 120-કિલોન્યુટનના એડવાન્સ એન્જિન ડિઝાઈન કરવાનો, ડેવલપનો, ટેસ્ટ કરવાનો, સર્ટિફાઈ કરવાનો અને પ્રોડક્શન કરવાનો છે.
ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ
ભારત ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે મળીને એક નવું અને શક્તિશાળી જેટ એન્જિન બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં દેશનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ફ્રાન્સની એરોસ્પેસ કંપની સેફરાન આ સામેલ છે. નવું એન્જિન દેશના ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ માટે બનાવવામાં આવશે. આ પગલું ભારતને ડિફેન્સ સેક્ટરમાં વધુ આત્મનિર્ભર બનાવશે. તેનાથી ભારત અને ફ્રાન્સ વચ્ચે પહેલાથી જ મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે.
પ્રસ્તાવને CCS સામે રજૂ કરવામાં આવશે
DRDO અને ફ્રાન્સની પ્રમુખ કંપની Safran આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરશે. DRDO દ્વારા ટૂંક સમયમાં આ પ્રસ્તાવને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) સામે મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. એક અહેવાલ પ્રમાણે આ પ્રોજેક્ટમાં 100% ટેકનોલોજી ટ્રાન્સફર થશે. તેનો ટાર્ગેટ ભારતમાં 120-કિલોન્યુટન એડવાન્સ એન્જિન ડિઝાઈન કરવાનો, વિકાસ, પરીક્ષણ, પ્રમાણિત અને ઉત્પાદન કરવાનું છે. આ ટ્વીન એન્જિનનો ઉપયોગ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) અને ભવિષ્યના અન્ય એરક્રાફ્ટમાં થશે.
સેફરાનનો પ્રસ્તાવ DRDOને સૌથી યોગ્ય લાગ્યો
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે DRDOને સેફરાનનો પ્રસ્તાવ સૌથી યોગ્ય લાગ્યો. સેફરાન પહેલાથી જ ભારતમાં હેલિકોપ્ટર એન્જિન બનાવે છે અને ડિફેન્સ સેક્ટરમાં લાંબા સમયથી પાર્ટનરશીપ ધરાવે છે. આ નવો પ્રોજેક્ટ DRDOના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) સાથે મળીને કરવામાં આવશે. તેની અંદાજિત કિંમત 7 બિલિયન ડોલર (લગભગ રૂ. 58,000 કરોડ) છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ એક કાર્યક્રમ દરમિયાન આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, ‘અમે ફિફ્થ જનરેશનના ફાઈટર જેટ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે ફ્રાન્સની કંપની સેફરાન સાથે ભારતમાં એન્જિનનું નિર્માણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.’
આ પણ વાંચો: જુઓ આવું દેખાશે ભારતીય અંતરિક્ષ સ્ટેશન, 2035 સુધીમાં થઈ જશે તૈયાર…
રાજનાથ સિંહે AMCAના પ્રોટોટાઈપ ડિઝાઈનને મંજૂરી આપી હતી
આ એન્જિન ડીલ દેશની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મે મહિનામાં રાજનાથ સિંહે AMCAના પ્રોટોટાઈપ ડિઝાઈનને મંજૂરી આપી હતી. તેમણે તેને અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ બનાવવાની દેશની ક્ષમતાને મજબૂત બનાવવાના પગલા તરીકે વર્ણવ્યું હતું. વિશ્વના સૌથી મોટા હથિયાર આયાતકારોમાંનો એક ભારત હવે સ્વદેશી ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ, નવી સબમરીન, યુદ્ધ જહાજો, લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઇલો અને એક મોટો હેલિકોપ્ટર નિર્માણ પ્લાન્ટ શરૂ કર્યો છે.