– દલિત ગામમાં ડાકુઓએ એક રાતમાં 24 લોકોની હત્યા કરી હતી
– 17 ડાકુઓ સામે આરોપ ઘડાયા, કેસ દરમિયાન 13નાં મોત થયા, એક હજુ પણ ફરાર : ત્રણેય દોષિતોને રૂ. 50 હજારનો દંડ
– 1981માં હત્યાકાંડ બાદ ઈન્દિરા ગાંધી પીડિતોને મળ્યાં, અટલ બિહારી વાજપેયીએ પદયાત્રા કરી સંવેદના વ્યક્ત કરી
ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના દિહુલી હત્યાંકાડના ૪૪ વર્ષ પછી આખરે મંગળવારે ન્યાયતંત્રે તેનો ચૂકાદો સંભળાવ્યો છે. મૈનપુરી કોર્ટના વિશેષ ન્યાયાધીશે મંગળવારે કપ્તાન સિંહ, રામ પાલ અને રામ સેવકને દોષિત જાહેર કરીને ફાંસીની સજા અને રૂ. ૫૦ હજારના દંડની સજા સંભળાવી છે. વર્ષ ૧૯૮૨માં ડાકુઓની એક ગેંગે દલિતોના ગામ પર હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કરી ૨૪ લોકોની હત્યા કરી હતી. જોકે, વિધિની વક્રતા એ છે કે આ કેસના ૧૭ આરોપીઓમાંથી ૧૩નાં મોત થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના દિહુલી હત્યાકાંડ કેસમાં અગાઉ ૧૧ માર્ચે મૈનપુરી કોર્ટના સ્પેશિયલ જજે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અપર સત્ર ન્યાયાધીશ ઈન્દિરા સિંહે મંગળવારે બપોરે ૩.૩૦ કલાકે આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. દિહુલી ગામમાં ૧૮ નવેમ્બર ૧૯૮૧ના રોજ ૧૭ હથિયારધારી ડાકુઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૨૩ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં જ્યારે એક વ્યક્તિનું સારવાર સમયે મોત થયું હતું.
આ ઘટના બાદ સ્થાનિક નિવાસી લૈઈક સિંહની ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો. પોલીસ તપાસમાં ૧૭ ડાકુઓ સામે આરોપ ઘડાયા હતા, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર સંતોષ સિંહ ઉર્ફે સંતોસા અને રાધેશ્યામ ઉર્ફે રાધેનો સમાવેશ થાય છે. જોકે, કેસ દરમિયાન ૧૩ આરોપીઓનાં મોત થઈ ગયા જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. સજાનો સામનો કરનારા ત્રણ આરોપીઓમાંથી એકની વય ૭૫થી ૮૦ વર્ષ છે.
આ કેસના મુખ્ય સાક્ષી બનવારી લાલે કહ્યું કે તેમના પિતા જ્વાલા પ્રસાદની સૌથી પહેલાં ખેતરમાં બટાકાના વાવેતર માટે ખોદકામ કરતી વખતે ગોળી મારી હત્યા કરાઈ હતી. તેમની સાથે તેમના મોટાભાઈ મનીષ કુમાર અને ભૂરે સિંહ તથા પિતરાઈ મુકેશની પણ હત્યા કરાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ હત્યાકાંડ પછી મોટાભાગના પીડિત પરિવારો ગામમાંથી પલાયન કરી ગયા છે. હવે માત્ર ત્રણ જ પરિવાર ગામમાં રહે છે.
આ હત્યાકાંડ બાદ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી જ્યારે વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ દિહુલીથી સાદુપુર સુધી પદયાત્રા કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કોર્ટના ચૂકાદા અંગે સરકારી વકીલ રોહિત શુક્લો કહ્યું, ચાર દાયકા પછી પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે. આ એક ઐતિહાસિક ચૂકાદો છે, જેનાથી સમાજમાં એ સંદેશો જશે કે કોઈપણ ગૂનેગાર કાયદાથી બચી નહીં શકે. આ ચૂકાદા બાદ દોષિતો પાસે હવે હાઈકોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ છે. કોર્ટના ચૂકાદાને પીડિત પરિવારોએ ન્યાયનો વિજય ગણાવ્યો છે.