Sonia Gandhi on Indian Education Policy: કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારતની શિક્ષણ નીતિને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ટીકા કરતા કહ્યું કે, ‘મોદી સરકાર સંઘીય શિક્ષણ માળખાને નબળું પાડી રહી છે. તે ‘3C’ (Centralisation, commercialisation and communalisation) એજન્ડાને આગળ વધારી રહી છે અને તેના કારણે સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે.’
સોનિયા ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા પ્રશ્નો
દેશના અગ્રણી અખબારના એક લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે, ‘છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારનો ટ્રેક રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે શિક્ષણમાં ત્રણ મુખ્ય એજન્ડાને આગળ વધારી રહી છે આ જ કારણે હું ચિંતિત છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણનું કેન્દ્રિયકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકીકરણ કરે છે. જેના કારણે સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે. મોદી સરકાર રાજ્ય સરકારોને મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયોથી દૂર રાખીને શિક્ષણના સંઘીય માળખાને નબળું પાડી રહી છે.’
વર્તમાન સરકાર કરી રહી છે શિક્ષણનું કેન્દ્રીકરણ
સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘છેલ્લા 11 વર્ષમાં આ સરકારના માત્ર સત્તા પર કબજો કરવાનું કામ કરી રહી છે. જેના શિક્ષણક્ષેત્રે નુકસાનકારક પરિણામો જોવા મળી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રીઓની કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની સાથેની બેઠક છેલ્લે સપ્ટેમ્બર 2019 બાદ એકવાર પણ નથી થઇ.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષએ વધુમાં કહ્યું કે, ‘NEP 2020 દ્વારા શિક્ષણમાં આમૂલ પરિવર્તનો અપનાવતી વખતે અને તેનો અમલ કરતી વખતે પણ કેન્દ્ર સરકારે આ નીતિઓના અમલીકરણ અંગે એક વખત પણ રાજ્ય સરકારો સાથે સલાહ લેવાનું યોગ્ય ન માન્યું. આ એ વાતનો પુરાવો છે કે તે પોતાના સિવાય કોઈનો અવાજ સાંભળતી નથી, આ સિવાય જે વિષય ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં છે તેમાં પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરતી નથી.
ઉચ્ચ શિક્ષણ તરફ ઈશારો કરતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્ય સરકારોના અધિકારો પણ હટાવી દીધા છે. સમવર્તી યાદીમાં વિષયને પાછલા બારણેથી કેન્દ્ર સરકાર હેઠળ લાવવાનો આ પ્રયાસ છે અને સંઘવાદ પર હુમલો છે.’
આ પણ વાંચો: વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી
શિક્ષણ વ્યવસ્થામાં ખાનગીકરણના કારણે 89000 શાળાઓ બંધ
લેખમાં સોનિયા ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ‘ખાનગીકરણના પ્રોત્સાહનને કારણે 2014 થી લગભગ 89,441 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી હતી અને લગભગ 42,944 ખાનગી શાળાઓ ખોલવામાં આવી હતી. આપણી શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો વધતો વ્યાપ વેપારીકરણનું પરિણામ છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)ના લાંચ કૌભાંડથી લઈને અસમર્થ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સુધી, જાહેર શિક્ષણ વ્યવસ્થા અને એજન્સીઓ નાણાકીય ભ્રષ્ટાચાર માટે સતત સમાચારોમાં રહે છે.’
કેન્દ્ર સરકાર સાંપ્રદાયિકરણ પર ભાર આપી રહી છે
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર આરએસએસ અને ભાજપના વૈચારિક એજન્ડાને પૂરા કરવા માટે સાંપ્રદાયિકરણ પર ભાર આપી રહી છે. મહાત્મા ગાંધીની હત્યા અને મુઘલ કાળને ઈતિહાસના અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યો છે. મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો અને ડિરેક્ટરોની નિમણૂંકમાં મેરિટ સાથે ચેડા કરીમાં આવી રહ્યા છે.’
સોનિયા ગાંધી કહ્યું કે, ‘કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકરણની આ કોશિશના પરિણામો સીધા આપણા વિદ્યાર્થીઓ પર પડ્યા છે. ભારતની જાહેર શિક્ષણ વ્યવસ્થાની હત્યા બંધ થવી જોઈએ.’