Vadodara : વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં 777 મકાનો ધરાવતી સોસાયટીના રહીશોએ બેનરો લગાવી ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યું છે. સોસાયટી નજીકમાંથી પસાર થતી રૂપારેલ વરસાદી ખુલ્લી કાંસના ગટરના પાણીની દુર્ગંધ, ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ અને ચોમાસામાં સોસાયટીમાં ભરાતાં પાણીથી પરેશાન લોકોએ કાયમી ઉકેલની માગ સાથે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.
શહેરના દંતેશ્વર વિસ્તારમાં એન્ટીકા સોસાયટીમાં 3 હજારથી વધુ લોકો રહે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી રહેતા લોકો નજીકમાંથી પસાર થતી ખુલ્લી કાંસમાં વહેતા ગટરના પાણીની દુર્ગંધથી પરેશાન છે. અગાઉ પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. હવે આ વિસ્તારનો વિકાસ ક્યારે? તેવા બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. સ્થાનિકોની માંગણી છે કે, કાંસની સફાઈ સાથે ખુલ્લી કાંસ બંધ કરી કાંસમાં દૂષિત પાણી ઠાલવવાનું બંધ કરવું જોઈએ. આ દરમ્યાન સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા લઈને પણ મહિલાઓએ કોર્પોરેશન સામે આક્રોશ દર્શાવ્યો છે
ભાજપના કાઉન્સિલરે જ કોર્પોરેશનની પોલ ખોલી
વોર્ડ 15 ના કાઉન્સિલર આશિષ જોષીએ વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશન જ વરસાદી કાંસમાં ગટરનું પાણી ઠાલવે છે, ગાજરાવાડી પંપીંગ સ્ટેશનનું પાણી ટ્રીટમેન્ટ વગર વરસાદી કાંસમાં ઠાલવવામાં આવી રહ્યું છે. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે , વર્ષોથી આ રૂપારેલ કાંસમાં દૂષિત પાણી કોર્પોરેશન ઠાલવી રહ્યું છે. જેથી કાંસની આસપાસ દુર્ગંધની સમસ્યાથી નાગરિકો પરેશાન છે.