મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. પરંતુ બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળતા બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વબજારના ઓવરનાઈટ સમાચાર કિંમતી ધાતુઓમાં તીવ્ર તેજી બતાવતા હતા અને તેના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપી ઉંચકાતાં દેશના ઝવેરીબજારોમાં આજે આગ ઝરતી તેજી જોવા મળી હતી.
અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૧૦૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૩૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૧૭૦૦૦ના મથાળે પહોંચ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના વધી સપ્તાહના અંતે ૩૩૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના વધી ૩૮.૮૯ ડોલર રહ્યા હતા.
વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષે સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવા સંકેતો આપ્યા હતા અને તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઝડપી ઘટાડો જોવા મળતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાન ાસમાચાર મળ્યા હતા.
વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૮૩ થયો હતો તે ત્યારબાદ ગબડી નીચામાં ૯૭.૫૬ થઈ છેલ્લ ે૯૭.૭૩ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭.૫૨ વાળા ગબડી રૂ.૮૭.૩૦થી ૮૭.૩૧ બોલાયા હતા તથા રૂપિયો ઝડપી ઉછળ્યો હતો.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૯૬૦ વાળા વધી રૂ.૯૯૯૫૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૩૫૮ વાળા રૂ.૧૦૦૩૫૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૧૩૯૦૬ વાળા ઉછળી રૂ.૧૧૬૫૫૦ બોલાયા હતા.
પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૬૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૨૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૩૫ ટકા વધ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટયાના વાવડ મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ૬૮ ડોલર થયા પછી છેલ્લે ભાવ ૬૭.૭૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૩.૯૩ થઈ ૬૩.૬૬ ડોલર રહ્યા હતા. ભારતમાં તહેવારોની મોસમ વચ્ચે સોના ચાંદીના ભાવ ઝડપી વધી જતાં હવે મોસમી માગ પર તેની અસર દેખાશે.