રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માત સર્જાયો હતો : ઘાયલ યુવાન બ્રેઇન ડેડ જાહેર થયા બાદ ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત
રાજકોટ, : ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કારે હડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા પરાગ જેન્તીભાઈ ગોહેલ (ઉ.વ. 18, રહે. મોટામવા પાસે, ૫૦ વારિયા ક્વાર્ટર)ને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ આજે સાંજે તેણે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હવે તેણે પોલીસે કાર ચાલક નબીરાને બચાવવા માટે બીજા ચાલકને આગળ ધરી દીધાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. જે તે વખતે આ અકસ્માત અંગે કેટરીંગનું કામ કરતાં ક્રિશ અમિતભાઈ મેર (ઉ.વ. 20, રહે. સિલ્વર એવન્યુ શેરી નં. 3, આત્મીય કોલેજ પાસે)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઇ તા. ૨૧નાં રોજ ન્યારી ડેમ પાસે આવેલા બંગલામાં ફંકશન હતું. જેમાં તે હાજર હતો. જ્યાં આવવા માટે તેને ત્યાં કામ કરતો પરાગ તેનું જ એક્ટિવા લઇ જતો હતો ત્યારે ન્યારી ડેમ પાસે તેને કારના ચાલકે હડફેટે લીધો હતો. જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ત્યાં અકસ્માત સર્જનાર નેકસોન કાર પડી હતી. જેના ચાલકે પોતાનું નામ પ્રવિણસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૫૫, રહે. વિષ્ણુવિહાર સોસાયટી શેરી નં.૯, યુનિવર્સિટી રોડ) જણાવતાં તેના વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પછી ક્રિશે ગૃહ રાજ્ય મંત્રી, પોલીસ કમિશનર વગેરેને એક અરજી આપી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે અકસ્માત સર્જનાર નબીરાને બચાવી લેવા માટે પોલીસે ખોટા ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરી છે.
અરજીમાં તેણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તે સ્થળ પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે નેકસોન કાર ઓવર સ્પીડથી ચલાવાતી હતી. જેને કારણે પરાગ ફૂટબોલની જેમ ફંગોળાયો હતો. અકસ્માત બાદ કારમાં પંકચર પડતા તે ઉભી રહી ગઇ હતી. જેમાંથી ત્રણ વ્યક્તિ ઉતર્યા હતાં. ડ્રાઇવર સાઇડના દરવાજેથી છોકરો નીકળ્યો હતો. જે પાછળની સીટ ઉપર બેસી ગયો હતો અને પાછળની સીટ ઉર બેઠેલો આધેડ ઉમરનો માણસ ડ્રાઇવીંગ સીટ ઉપર બેસી ગયો હતો.
ત્યારબાદ ત્રણેય વ્યક્તિ ફરીથી કારની બહાર નીકળ્યા હતા અને પાછળ બેઠેલો આધેડ ઉંમરનો વ્યક્તિ ગાડી ચલાવતો હોય તેવું દર્શાવ્યું હતું. પરાગ રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં ઉંધો પડયો હતો. આમ છતાં કારમાં બેઠેલા વ્યક્તિઓ ૧૦૮ બોલાવવાના બદલે સામે આવેલા પાનના ગલ્લા પર ઉભા રહી ગયા હતા. થોડીવાર બાદ બીજી કાર બોલાવી તમાં જતા રહ્યા હતાં.
જે તે વખતે તાલુકા પોલીસ મથક ખાતે કહેવાતો કાર ડ્રાઇવર પ્રવિણસિંહ હાજર થઇ ગયો હતો. તે વખતે તેણે પોલીસને સ્પષ્ટ કહ્યું કે પ્રવિણસિંહ ગાડી ચલાવતા ન હતા અને તે પાછળની સીટ ઉપર બેઠા હતાં. ડ્રાઇવીંગ સીટ ઉપર લાંબો સરખો છોકરો બેઠો હતો. પરંતુ પીએસઆઈ એસ.પી. ચૌહાણે આ વાત માની ન હતી અને તેની ઉપર ગુસ્સે થઇ કહ્યું કે તમારે ફરિયાદ લખાવી છે કે નહીં, પોલીસ ફરિયાદ લખશે તેમ લખાશે.
પંચનામા દરમિયાન પોલીસ દ્વારા એક્ટિવા અને નેકસોન કાર પોલીસ સ્ટેશને મંગાવી લેવામાં આવી હતી. વધુ તપાસ કરતાં કાર માલિક તરીકે રાજેશભાઈ મગનલાલ મહેતા (રહે. ભાભા કૃપા, 3-ગીત ગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ) હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે પોલીસે કાર ચાલક નબીરાને બચાવવા માટે ખોટા ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ આક્ષેપો અંગે ઝોન-2ના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે જે તે વખતે ફરિયાદીએ જેનું નામ આપ્યું તેની સામે જ ફરિયાદ નોંધવામાં આવી છે. જો ફરિયાદીને બીજો કોઇ ડ્રાઇવર હોવાનું લાગે તો તે રજૂઆત કરી શકે છે. જેના આધારે પોલીસ તપાસ કરશે. કાર ખરેખર કોણ ચલાવતું હતું તે અંગે હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. કાર ચાલક હજુ સ્પષ્ટ થયો ન હોવાથી ધરપકડ સહિતની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જે પણ કાર ચલાવતો હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધનાર પીએસઆઈ પાસેથી તપાસ લઇ લેવામાં આવી છે. બીજી તરફ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા પરાગે આજે સાંજે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં તેના પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.