Jamnagar : જામનગરના કૂખ્યાત દિવલા ડોન સામે પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતી એક મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે ઘરમાં ઘુસી જઇ તોડફોડ કર્યાની અને 50,000ની માગણી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી. જે ગુનામાં આરોપી દીવલા ડોનની ધરપકડ કરી લેવામાં આવી છે.
જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોન, કે જેની સામે જામનગરમા પટેલ કોલોની શેરી નંબર 9 માં ચિરાગ એપાર્ટમેન્ટમાં રહેતી વર્ષાબેન સંજયભાઈ ધકાણ નામની મહિલાએ સીટી બી.ડીવિઝન પોલીસ મથકમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલા ડોન તેમજ બળભદ્રસિંહ જાડેજા એક અજાણ્યો માણસ અને નિર્મળ સિંહ નામના વકીલ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે ગત 6-8-2025 ના સવારના 10.00 વાગ્યાના અરસામાં દીવલો ડોન તેના સાગરીતો સાથે મકાનમાં ઘૂસી આવ્યો હતો, અને કાચ, ટેબલ ફેન વગેરેમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ ધાક ધમકી આપી 50,000 રૂપિયાની માંગણી કરી હતી, અને આ મકાન ખાલી કરીને નિર્મળસિંહ વકીલને આપી દેવાનું છે, તેમ કહી ધમકી આપી હતી.
આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેના અનુસંધાને પીએસઆઇ જે.પી.સોઢા અને તેઓની ટીમે આરોપી દીવલા ડોન, વગેરે સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 140(2), 324(2), 331(1), 351(3), 352 તથા 54 મુજબ ગુન્હો નોંધ્યો હતો.
દરમિયાન ગઈકાલે મુખ્ય આરોપી દિવલા ડોનની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે. ઉપરાંત તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. તેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બીજો ગુન્હો નોંધાયો છે, તેમાં તે વોન્ટેડ છે.