વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની ખુરશી ત્રણ મહિનાથી ખાલી છે અને બીજી તરફ નવા વાઈસ ચાન્સેલરની પસંદગી માટેની સર્ચ કમિટિ દ્વારા પણ થઈ રહેલો વિલંબ યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કારણકે અગાઉ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે ભૂતકાળની સર્ચ કમિટિઓએ ક્યારેય આટલી હદે વિલંબ કર્યો નથી.અગાઉ સિન્ડિકેટમાં પણ સર્ચ કમિટિની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી તેની ચર્ચા થતી હતી.પરંતુ સરકારનો કોમન યુનિવર્સિટી એકટ અમલમાં આવ્યા બાદ તો સર્ચ કમિટિનો કે સરકારના શિક્ષણ વિભાગનો કોઈ જવાબ માંગી શકે તેમ નથી.
મળતી વિગતો પ્રમાણે નવેમ્બરમાં સર્ચ કમિટિ બનાવવામાં આવી હતી અને એ પછી તા.૮ જાન્યુઆરીએ ડો.વિજય શ્રીવાસ્તવને હાઈકોર્ટમાં શૈક્ષણિક લાયકાતના મુદ્દે ચાલી રહેલા કેસના કારણે રાજીનામુ આપવાની ફરજ પડી હતી. અત્યારે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની નિમણૂક કરાઈ છે.બીજી તરફ સર્ચ કમિટિને ૭૦ કરતા વધારે બાયોડેટા મળ્યા છે.
જોકે સર્ચ કમિટિ શું કાર્યવાહી કરી રહી છે તે અંગે બાયોડેટા મોકલનારા અધ્યાપકોને પણ જાણકારી નથી.અગાઉ સર્ચ કમિટિ બાયોડેટામાંથી કેટલાક નામ શોર્ટ લિસ્ટ કરતી હતી.આ અધ્યાપકોને પ્રેઝન્ટેશન માટે બોલાવાતા હતા.આ વખતે સર્ચ કમિટિ તરફથી આવો કોઈ સંદેશ પણ ઉમેદવારોને મળ્યો નથી.