Narmada News : ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના પ્રદેશ અને નર્મદા જિલ્લાના નેતાઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાઉન્ટર કરવામાં સૌ કોઈ મૌન કેમ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અત્યારે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશો.
સાંસદ વસાવાએ નર્મદાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ગુજરાત પ્રદેશ આદિજાતિ વિભાગના ઉપપ્રમુખ શંકર વસાવા, નર્મદા ભાજપના પ્રમુખ નીલ રાવ અને ગુજરાત પ્રદેશના નેતાઓને સીધો સવાલ કર્યો કે, ચૈતર વસાવા સામે કોઈ કેમ બોલતું નથી?
માત્ર હું અને ધવલ પટેલ જ બોલીએ છીએ
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ‘માત્ર હું જ બોલું છું અને વલસાડના સાંસદ ધવલ પટેલ જ બોલે છે. બાકી બધા કેમ મૌન છે?’ તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે ચૈતર વસાવાએ કરેલા કૃત્યો વિશે લોકોના ઘરે ઘરે જઈને જાણ કરવી પડશે.
ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ચૂપકીદી પર પણ સવાલ
મનસુખ વસાવાએ દેડિયાપાડામાં એક મહિલાને ચૈતર વસાવાએ અપશબ્દો કહ્યા તે ઘટનાનો ઉલ્લેખ કરતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ચૂપકીદી પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે એક મહિલા ધારાસભ્ય હોવા છતાં તેઓ આ મુદ્દે કેમ કશું બોલતા નથી.
આપના ગુંડાઓ સામે લડતો આવ્યો છું :મનસુખ વસાવા
મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ આ ગુંડાઓ સામે પહેલેથી લડતા આવ્યા છે. પહેલા છોટુ વસાવા સામે બોલતા હતા અને હવે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સામે લડી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આદિવાસી હિન્દુ છે અને રહેવાનો છે, પરંતુ આ વાતને પ્રદેશના નેતાઓ સમર્થન આપતા નથી.
સાંસદ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા ભલે જેલમાં છે, પરંતુ તેની ટીમ ભાજપ અને તેમને બદનામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘ચૈતર વસાવાથી કોઈ ડરતું નથી.’ તેમણે આમ આદમી પાર્ટીને આવનારા દિવસોમાં ભાજપ માટે એક પડકારરૂપ ગણાવી.
દૂધમાં અને દહીંમાં પગ રાખવાનું નહીં ચાલે
દેડિયાપાડા વિધાનસભા ચૂંટણી અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે તેમના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડવાનું નથી. જેને પણ ચૂંટણી લડવી હોય તેણે ચૈતર વસાવા સામે મેદાનમાં આવવું પડશે, દૂધમાં અને દહીંમાં પગ રાખવાનું ચલાવી લેવામાં નહીં આવે.
મનસુખ વસાવાએ દેડિયાપાડાના કાર્યકર્તાઓને હિંમત ન હારવાની સલાહ આપતા કહ્યું કે કોઈ સમર્થન કરે કે ના કરે, આપણે ચૈતર વસાવા સામે બોલવું જ પડશે. સોશિયલ મીડિયામાં પણ ચૈતર વસાવાની ટીમ સામે કાઉન્ટર કરવું પડશે. તેમણે કહ્યું કે ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેના ગુનાઓ અને ભ્રષ્ટાચાર વિશેની વાત લોકો સુધી અને સોશિયલ મીડિયામાં પણ પહોંચાડવી પડશે.