ધ્રાંગધ્રાના કોંઢમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ થાંભલાનું યોગ્ય વળતર ન અપાતા રોષ ખેડૂતોએ કલેકટર કચેરીએ રજૂઆત કરી જંત્રીને બદલે બજારના ભાવ મુજબ વળતર ચુકવવાની માંગ કરી
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતોએ ખાનગી કંપની દ્વારા યોગ્ય અને પુરતું વળતર ન ચુકવતા ઉગ્ર રજુઆતો કરી હતી અને આ અંગે ઉકેલ નહીં આવે તો ખાનગી કંપની દ્વારા કરવામાં આવતી વિજલાઈન નાંખવાની કામગીરીને અટકાવી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની સીમમાં છેલ્લા થોડા દિવસોથી ખાનગી કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ૭૬૫ કે.વી. ડબલ સર્કિટ હળવદ-વટામણ વિજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખેડુતોને જંત્રી મુજબ વળતર ચુકવવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડુતોને ખુબ જ નજીવી રકમનું વળતર મળવાપાત્ર થાય છે. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ વાણીજ્યક હેતુ ગણી બજાર ભાવ મુજબ વળતર ચુકવવામાં આવે તેવું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ સહિતના જીલ્લાઓમાં જંત્રી મુજબ નહિં પરંતુ બજારના ભાવ મુજબ કંપની દ્વારા ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે સરકારની નવી ગાઈડલાઈનમાં પણ ખેડુતોના વળતરમાં ૨૦૦ ટકાનો વધારો કરવા છતાં અગાઉના વર્ષમાં ચુકવેલ વળતર કરતા હાલનું વળતર અંદાજે ૩૦૦ ટકા ઓછું ચુકવવામાં આવી રહ્યું છે. આથી અન્ય જીલ્લાઓની જેમ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડુતોને પણ બજારના ભાવ મુજબ વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે અને જ્યાં સુધી ખેડુતોને વળતર બાબતે યોગ્ય ઉકેલ નહિં આવે ત્યાં સુધી ખાનગી કંપનીને કામગીરી ન કરવાની સુચનાઓ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને તેમ છતાંય જો ખેડુતો સાથે દાદાગીરી કરી જબરદસ્તીથી વિજલાઈન તેમજ વિજપોલ નાંખવામાં આવશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.