BJP President Election: ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખનું નામ હજુ સુધી નક્કી નથી થયું અને પાર્ટી દ્વારા કોઈ તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. હવે કહેવાય રહ્યું છે કે ભાજપ બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત સાથે કેન્દ્રીય મંત્રીની મુલાકાતથી અટકળો વધુ તેજ બની છે. જોકે, ભાજપે સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી કર્યું કે આગામી પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે.
પક્ષ પ્રમુખની પસંદગીમાં સંભવિત નામોની યાદી તૈયાર, 9 સપ્ટેમ્બર બાદ નિર્ણય
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના હાઇકમાન્ડે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. આ યાદી પર 9 સપ્ટેમ્બરે થનાર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વિચાર કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે નવા પ્રમુખની ચૂંટણીની જાહેરાત આ પછી થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોના પ્રમુખોની પસંદગી કરવામાં આવશે.
અહેવાલ મુજબ, સૂત્રોએ એ પણ કહ્યું છે કે જો બિહાર ચૂંટણીની જાહેરાત પહેલાં પ્રમુખની પસંદગી નહીં થાય, તો તેમની નિમણૂક ચૂંટણી પછી જ કરવામાં આવશે. હાલમાં, ભાજપે પ્રમુખ પદની ચૂંટણી માટે કોઈ ટાઈમટેબલ જાહેર કર્યું નથી.
દિલ્હીમાં મોટી બેઠક
રવિવારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સંઘ પ્રમુખ ભાગવત વચ્ચે બેઠક થઈ હોવાના અહેવાલો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠક બંધ રૂમમાં 45 મિનિટ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે શિવરાજસિંહ ચૌહાણને પણ પ્રમુખ પદના મુખ્ય દાવેદારોમાંથી એક માનવામાં આવે છે. આ બેઠક બે વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ હતી.
આ પણ વાંચો: દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ
આ નામોની પણ ચર્ચા
આ પહેલાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી, આંધ્ર પ્રદેશના ભાજપ પ્રમુખ ડી. પુરંદેશ્વરી, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનતિ શ્રીનિવાસન, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ, ભાજપ નેતા વિનોદ તાવડેના નામની પણ ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, આ નામો અંગે ભાજપે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.