વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં લગભગ ૩.૫૦ કરોડ રુપિયાના ખર્ચે આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતનું અને ગુંબજનું રિનોવેશન પુરુ નથી થયું ત્યાં તો વરસાદમાં ગુંબજ પરનો કલર ધોવાઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.જેના કારણે રિનોવેશનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષના સમય ગાળામાં બે કોન્ટ્રાકટર બદલાઈ ગયા બાદ સવાણી હેરિટેજ નામની કંપનીને રિનોવેશન સોંપવામાં આવ્યું હતું.આ રિનોવેશન હવે અંતિમ તબક્કામાં છે.આર્ટસ ફેકલ્ટીના વિશાળકાય અને એશિયાના બીજા નંબરના ગુંબજની આસપાસ બીજા ૬ ગુંબજ છે અને આ પૈકી એકનું રિનોવેશન અને કલરકામ બાકી છે.જ્યારે મુખ્ય ગુંબજ સહિતના બાકીના ૬ ગુંબજનું રિનોવેશન અને તેને રંગ કરવાનું કામ તાજેતરમાં પૂરુ થયું છે.
જોકે આશ્ચર્યની વાત એ છે કે, પહેલા જ ચોમાસામાં આ પૈકીના એક ગુંબજ પરથી કલર ઉખડેલો જોઈ શકાય છે અને હવે તેને ફરીથી કલર કરવાની જરુર પડશે.જોકે સવાલ એ છે કે, એક ચોમસામાં કલર ઉખડી જતો હોય તો આગળના વર્ષોમાં શું થશે.
દરમિયાન વરસાદના કારણે ગુંબજ અને ઐતહાસિક ઈમારતનું સમારકામ લંબાઈ ગયું છે.સૂત્રોનું કહેવું છે કે, પહેલા ઓગસ્ટમાં તમામ કામગીરી પૂરી થવાની હતી પરંતુ હવે બીજો એકાદ મહિનો લાગશે.ગુંબજની સાથે સાથે હવે ગુંબજની અંદરની તરફ અને તેની નીચેના પ્રેમાનંદ હોલમાં પણ રિનોવેશન કરવાનો નિર્ણય લેવાયો છે.આ માટે વધુ ૫૦ લાખ રુપિયાની રકમ ફાળવવામાં આવી છે.
વોટર પ્રૂફિંગ માટેનું કેમિકલ લગાવવાનું હજી બાકી છે એટલે કલર ઉખડયો હશે
યુનિવર્સિટીના ચીફ એન્જિનિયરે કહ્યું હતું કે, એક ગૂંબજ પર વોટર પ્રૂફિંગ માટેનું કેમિકલ લગાવવનું બાકી છે એટલે તેના પરથી કોઈ જગ્યાએ કલર ઉખડી ગયો છે.વોટર પ્રૂફિંગ માટે મંજૂરી મળે તે પહેલા જ વરસાદ આવી ગયો હતો.હવે ફરી એક વખત જ્યાં જ્યાં કલર ઉખડી ગયો છે ત્યાં કલર કરીને તેના પર વોટરપ્રૂફિંગ કેમિકલ લગાવાશે.એ પછી તેના પર વરસાદની અસર નહીં થાય.લાંબા ગાળે પ્રદૂષણની અસર થવાની શક્યતા ચોક્કસ છે પણ તેને ઓછી કરવા માટે દર ચાર પાંચ વર્ષે ગુંબજનું સમારકામ જરુરી બનશે.