RSS Chief Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત એક કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘સંઘની સાર્થકતા ભારતને વિશ્વગુરુ બનાવવામાં છે અને હવે ભારતને વિશ્વમાં યોગદાન આપવાનું છે અને તે સમય આવી ગયો છે. દેશ સર્વોપરી છે અને સંઘને ધારણા નહીં, પરંતુ તથ્યોના આધારે સમજવો જોઈએ. સંઘના ઉદ્દેશ્યો અંગે ઘણી ચર્ચાઓ થાય છે, પરંતુ ઘણીવાર તેની સાચી અને સત્તાવાર જાણકારીનો અભાવ જોવા મળે છે, જેથી હવે સંઘ તરફથી સાચી માહિતી આપવામાં આવશે.’
ભાગવતે હિન્દુ રાષ્ટ્ર શબ્દનો અર્થ સમજાવ્યો
તેમણે હિન્દુ રાષ્ટ્ર શબ્દનો અર્થ પણ સમજાવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ‘હિન્દુ રાષ્ટ્ર શબ્દનો સત્તા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે આપણે હિન્દુ રાષ્ટ્ર કહીએ છીએ, ત્યારે તેનો અર્થ કોઈનો વિરોધ કરવો કે કોઈને છોડી દેવાનો નથી. હિન્દુ રાષ્ટ્રનો ખ્યાલ એવા શાસન પર આધારિત છે, જ્યાં ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના સૌને સમાન ન્યાય મળે. આ સંકલ્પનામાં પંથ, સંપ્રદાય કે ભાષાનો કોઈ ભેદભાવ નથી અને સૌને માટે બધું જ સમાન છે.’
‘વિવિધતામાં પણ એકતા છે’
સંઘ પ્રમુખે સંઘના મૂળ ઉદ્દેશ્ય અંગે કહ્યું કે, ‘સંઘ કોઈના વિરોધમાં કે કોઈની પ્રતિક્રિયામાં શરુ થયો નથી. તેમણે કહ્યું કે ભારતે બે મોટી ગુલામીઓ સહન કરી છે અને આઝાદી બાદ દેશમાં વિવિધ વિચારધારાઓ પ્રચલિત થઈ છે. સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવાનો છે.’ આનો અર્થ સમજાવતાં તેમણે કહ્યું કે, ‘જો સમગ્ર વિશ્વમાં કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી ન હોત, તો પણ હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે સંઘની શાખાની જરૂરિયાત પડી હોત. વિવિધતામાં પણ એકતા છે.’
‘આપણો દેશ છે, દેશનો જયજયકાર થવો જોઈએ’
સંઘ આજે 100 વર્ષ પૂરા થયા પછી પણ નવા લક્ષ્યોની વાત કેમ કરી રહ્યો છે? જો આનો એક વાક્યમાં જવાબ આપીએ તો તે છે – સંઘની પ્રાર્થનાના અંતમાં આપણે રોજ કહીએ છીએ – ‘ભારત માતા કી જય.’ આપણો દેશ છે, તે દેશનો જયજયકાર થવો જોઈએ, તે દેશને વિશ્વમાં અગ્રણી સ્થાન મળવું જોઈએ.
આ પણ વાંચો : ‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે ડી.કે.શિવકુમારનું નિવેદન