India And Africa Map Controversy : ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા જૂનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર(ISS)માં હતા ત્યારે તેમણે એ વાતની નોંધ લીધી હતી કે અંતરિક્ષમાંથી ભારતનું કદ પ્રમાણભૂત નકશામાં જેટલું દેખાય છે એના કરતાં ‘ઘણું મોટું’ છે. વાત સાચી પણ છે અને આ જ વાત આફ્રિકા ખંડને પણ લાગુ પડે છે. પરંપરાગત નકશામાં પશ્ચિમી દેશો વાસ્તવમાં છે એના કરતાં મોટા અને ઉષ્ણકટિબંધીય પ્રદેશો નાના દેખાય છે. ચાલો, એનું કારણ જાણીએ. સાથે એ પણ જાણીએ કે આ અન્યાય સામે આફ્રિકામાં કેવો વિરોધ ઉઠ્યો છે.
શું વાંધો છે નકશામાં?
આપણે સ્કૂલના જમાનાથી વિશ્વનો જે નકશો ભણતાં આવ્યા છીએ એ છેક 16મી સદીમાં બન્યો હતો. બેલ્જિયમના કાર્ટોગ્રાફર (નકશા બનાવનાર) ‘જેરાર્ડસ મર્કેટર’એ વર્ષ 1569માં બનાવેલો એ નકશો ત્યારથી સર્વસ્વીકૃત ગણાતો રહ્યો છે. વહાણવટા (નેવિગેશન) જેવા કામ માટે એનો જ ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ ‘મર્કેટર પ્રોજેક્શન’ તરીકે ઓળખાતા એ નકશામાં અમુક પ્રદેશોનું કદ નાનું અને અમુકનું મોટું દર્શાવાયું છે, જેનો હવે રહી-રહીને આટલા વર્ષો પછી વિરોધ થવા લાગ્યો છે.
જાણી જોઈને ખોટો નકશો બનાવાયો હતો?
વિરોધીઓનું કહેવું છે કે મર્કેટર યુરોપનો હોવાથી એણે જાણી જોઈને પશ્ચિમી દુનિયાના પ્રદેશોને મોટા અને આફ્રિકા ખંડ, દક્ષિણ અમેરિકા અને એશિયાના ભારત જેવા દેશોને નાના દેખાડ્યા હતા. જો કે, એવું નથી. પૃથ્વી ગોળ છે અને એના તમામ દેશોને એક ફ્લેટ કાગળ પર મૂકવામાં પૃથ્વીની ગોળાઈ જ અવરોધ બની ગઈ હતી. વિષુવવૃત્ત નજીકના આફ્રિકા અને ભારત જેવા દેશો જેમના તેમ મૂકીને પછી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધને નકશા પર ‘બિછાવવા’માં આવ્યા હતા. બંને ધ્રુવો તરફના દેશોને અખંડિત દેખાડવા માટે એમને નાટકીય રીતે ખેંચવા પડ્યા હતા, જેને લીધે એમનું કદ હતું એના કરતાં મોટું થઈ ગયું હતું. એ જ રીતે એન્ટાર્કટિકા ખંડનું કદ પણ છે એના કરતાં ક્યાંય વધુ મોટું દેખાડવું પડે છે. હકીકતમાં મર્કેટર નકશાની મર્યાદા આ છે.
આફ્રિકાને થયો સૌથી મોટો અન્યાય
‘મર્કેટર પ્રોજેક્શન’માં મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોના આકાર વાસ્તવ કરતાં નાના દેખાય છે. આફ્રિકાના પૂર્વી ખૂણાથી લઈને પશ્ચિમી ખૂણા વચ્ચેનું મહત્તમ અંતર 7166 કિલોમીટર છે, જ્યારે કે રશિયાના પૂર્વ ખૂણાથી લઈને પશ્ચિમી ખૂણા વચ્ચેનું મહત્તમ અંતર 5960 કિલોમીટર છે. તેમ છતાં નકશામાં રશિયા આફ્રિકા કરતાં બે ગણું મોટું દેખાય છે. એ જ રીતે ઉત્તર અમેરિકા (અમેરિકા અને કેનેડાનો સંયુક્ત પ્રદેશ) પણ આફ્રિકા કરતાં કદમાં નાના હોવા છતાં મોટા લાગે છે. આફ્રિકા એટલું મોટું છે કે એની અંદર અમેરિકા, ચીન અને ભારત જેવા વિશાળ દેશો એકીસાથે સમાઈ જાય, એ પછી પણ થોડી જમીન વધે!
આ પણ વાંચો : બાંગ્લાદેશ : ફેબ્રુઆરીમાં ચૂંટણી પછી યુનુસ નવી સરકારને સત્તા સોંપશે, ચારે બાજુથી દબાણ વચ્ચે જાહેરાત
ભારતનું કદ પણ ખોટું દર્શાવાયું છે
31.6 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતું ભારત નકશા પર અન્ય દેશોની તુલનામાં નોંધપાત્ર રીતે નાનું દેખાય છે. ઉત્તર ગોળાર્ધમાં આવેલું ગ્રીનલૅન્ડ ફક્ત 21.6 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતું હોવા છતાં ભારત કરતાં ઘણું મોટું દેખાય છે. યુરોપના મોટા ભાગના દેશો પણ વાસ્તવમાં છે એના કરતાં મોટા દેખાય છે.
આફ્રિકન યુનિયનની ઐતિહાસિક ઝુંબેશ
વ્યાપક રીતે વપરાતા મર્કેટર નકશામાં આફ્રિકાનું કદ અન્ય પ્રદેશોની સરખામણીમાં નાનું દર્શાવાતું રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં એનો વિરોધ થવા લાગ્યો છે. આફ્રિકન યુનિયને ‘આફ્રિકાનું સાચું કદ દર્શાવતા નકશા’નો ઉપયોગ કરવા માટેની ઝુંબેશ શરુ કરી છે, જેનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે સમાનતા કેળવવાનો છે.
ખોટો નકશો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પાડે છે
આખી દુનિયામાં મર્કેટર નકશો જ ચલણમાં હોવાથી દુનિયાના તમામ નાગરિકો એને જ સાચો માની લે છે. નકશામાં યુરોપ અને ઉત્તર અમેરિકાને વાસ્તવિકતા કરતાં મોટા દર્શાવાયા હોવાથી અજાણપણે વિશ્વમાં એ પ્રદેશો વધુ પ્રભાવશાળી હોવાની છાપ ઊભી થઈ છે. નકશાને લીધે સર્જાતાં આવા ‘ખોટા મનોવૈજ્ઞાનિક પરિબળ’નો આફ્રિકન દેશો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે ચીનને ખુશ કરવા ટ્રમ્પે એવી જાહેરાત કરી કે અમેરિકામાં તેમના સમર્થકોનો જ ભારે વિરોધ
વૈકલ્પિક અને વાસ્તવિક નકશો શક્ય છે ખરો?
પૃથ્વી ગોળ હોવાથી એની સપાટી પર સ્થિત પ્રત્યેક દેશનું કદ સાચી રીતે કાગળ પર મૂકવું અઘરું પડે છે. છતાં અમુક પ્રયાસ થયા છે ખરા, જેમાં સૌથી વધુ ભલામણ કરાયેલો નકશો છે ‘ગેલ-પીટર્સ પ્રોજેક્શન’ છે, જેને 1974માં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, એ નકશાની ખામી એ છે કે એમાં ખંડોના આકાર ઊભી રીતે ખેંચાયેલા દેખાય છે, જેના કારણે તેઓ બેડોળ લાગે છે.
2017માં નકશાકાર ટોમ પેટરસન અને તેમના સાથીદારો દ્વારા બનાવાયેલો ‘સમાન પૃથ્વી નકશો’ (ઈક્વલ અર્થ મેપ) પણ વિશ્વસનીય વિકલ્પ ગણાવાય છે. આ નકશો પણ પરફેક્ટ તો નથી જ, પણ બીજા નકશાઓ કરતાં આ નકશો દુનિયાના દેશો અને ખંડોનું વધુ વાસ્તવિક ચિત્રણ કરે છે.
નવા નકશાની સ્વીકૃતિ વધવા લાગી છે
નાસા અને નેશનલ જિયોગ્રાફિકે ઈક્વલ અર્થ મેપ અપનાવી લીધો છે. વિશ્વ બૅંકે જાહેરાત કરી છે કે તે તેના બધા પ્લેટફોર્મ પર, દુનિયાના તમામ લોકોનું સચોટ પ્રતિનિધિત્વ થાય એ માટે મર્કેટર નકશાનો ઉપયોગ તબક્કાવાર બંધ કરી રહી છે. 2018માં ગૂગલ મેપ્સે પણ મર્કેટર નકશાના વિકલ્પો અપનાવી લીધા હતા.
આગામી પેઢીને પૃથ્વી પર તેમના અને અન્ય દેશોના કદ અને સ્થિતિ વિશે સાચી માહિતી મળે એ માટે આ બદલાવ આવશ્યક અને આવકાર્ય છે.
આ પણ વાંચો : એક જ મંચ પર હશે PM મોદી, પુતિન અને જિનપિંગ; ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો ‘પાવર શો’