US Tarrif Impact: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાદવામાં આવેલા 25 ટકા વધારાનો ટેરિફ બુધવાર (27 ઓગસ્ટ)થી લાગુ થઈ ચુક્યો છે. આ સાથે જ ભારત પર લગાવવામાં આવેલો કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો છે, જે દુનિયામાં કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ છે. હવે તેની સૌથી વધુ અસર કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે, દેશના અનેક મોટા શહેરોમાં કાપડ ઉત્પાદન અટકાવી દેવાયુ છે.
ભારત પર 50% ટેરિફ
નોંધનીય છે કે, ટ્રમ્પે ભારત પર શરૂઆતમાં 25 ટકા ટેરિફ લાદ્યો હતો અને આ સાથે જ રશિયન ક્રૂડ ઓઇલને લઈને પણ દંડના રૂપે વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. જેના કારણે ટેરિફનો કુલ આંકડો 50 ટકા સુધી પહોંચી ગયો. ખાસ વાત એ છે કે, ભારત સિવાય ફક્ત બ્રાઝીલ છે, જેના પર આટલો ભારે ટેરિફ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ‘ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ…’ પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન
સુરતમાં કાપડનું ઉત્પાદન બંધ
ફેડરેશન ઑફ ઈન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અધ્યક્ષ એસ.સી રાલ્હાને કહ્યું કે, ‘વધતી જતી કિંમતની સ્પર્ધા વચ્ચે કાપડ ઉત્પાદકોએ તિરુપુર, નોઇડા અને સુરતમાં ઉત્પાદન બંધ કરી દીધું છે. આ વિસ્તાર વિયેતનામ અને બાંગ્લાદેશથી ઓછી કિંમતના સ્પર્ધકો કરતા પાછળ રહી ગયા છે.50 ટકા ટેરિફથી સૌથી મોટા નિકાસ બજારમાં ભારતીય સામાન પર ગંભીર અસર થશે. આ જ કારણે અમેરિકા જતા ભારતીય સામાનને પણ ભારે ઝટકો લાગી શકે છે. ચીન, વિયેતનામ, કમ્બોડિયા, પેલેસ્ટાઇન અને દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયાના દેશોની તુલનામાં ભારતીય સામાન સ્પર્ધાથી બહાર આવી ગયો છે.’
સરકાર તરફથી રાહતની આશા
કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રી (CITI)એ કહ્યું કે, કાપડ ઉત્પાદકો સરકાર તરફથી રાહતની રાહ જોઈ રહ્યું છે. CITI અધ્યત્ર રાકેશ મેહરાએ કહ્યું કે, ‘સરકાર ઈન્ડસ્ટ્રીની વાત કરે છે કે, કેવી રીતે આ સમયે અમે તમારી મદદ કરી શકીએ. પરંતુ, સ્થિતિની ગંભીરતા જોતા અમે ઈચ્છીએ છીએ કે, નાણાંકીય મદદ દ્વારા મજબૂત સમર્થન મળે અને કાચા સામાનની જરૂરિયાતો મામલે નીતિ સ્તરે જલ્દી નિર્ણય લેવામાં આવે.’
આ પણ વાંચોઃ બિહારમાં મંત્રી ઉપર જીવલેણ હુમલો, ગ્રામીણોએ અનેક કિ.મી. ભગાડ્યા, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત
ભારત અને અમેરિકામાં વાટાઘાટો
ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ વેપાર અને રોકાણ, મહત્ત્વના ખનિજો અને ઊર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી છે, જેમાં નાગરિક પરમાણુ સહયોગને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રની વેપાર અને ટેરિફ પરની નીતિઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ સામે ‘ટુ પ્લસ ટુ’ આંતર-સત્ર સંવાદના માળખા હેઠળ સોમવારે ડિજિટલ રીતે વાટાઘાટો થઈ હતી.