Society Annual Meeting : ગુજરાત સહકારી કાયદાની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ એક દાખલારૂપ શિક્ષાત્મક હુકમના ભાગરૂપે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારની શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિના ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ શાહને ગેરલાયક ઠરાવતો હુકમ બહાલ રાખ્યો હતો. રાજયના કૃષિ અને સહકાર વિભાગના નાયબ સચિવે બહુ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું હતું કે, જો મંડળી (કો.ઓ.હા.સો.લિ)ના ચેરમેન-સેક્રેટરી કોઇપણ વાજબી કારણોસર મંડળીની વાર્ષિક સાધારણ સભા બોલાવે નહી તો મંડળીના તમામ સભ્યોના કાયદાથી તેઓને મળેલા અધિકારોનું હનન થાય છે. ગેરલાયક ઠરેલા ચેરમેન નરસિંહ પ્રહલાદદાસ પટેલ દ્વારા કરાયેલી રિવીઝન અરજી ફગાવતાં નાયબ સચિવે આ બહુ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.
સહકારી કાયદા અંતર્ગત ચેરમેન અને સેક્રેટરીને ગેરલાયક ઠેરવી રિવીઝન અરજી ફગાવાઇ
રિવીઝન અરજીમાં ચુકાદો આપતાં નાયબ સચિવે હુકમમાં મહત્ત્વપૂર્ણ અવલોકનો કરતાં જણાવ્યું કે, સહકારી મંડળી(કો.ઓ.હા.સો.લિ) ના તમામ કાર્યો મંડળીની ચૂંટાયેલી વ્યવસ્થાપક કમીટીમાં અધિકારો નિહિત થાય છે. જેથી મંડળીની વાર્ષિક સાધારણ સભા તે મંડળીના સભાસદો માટેનું રજૂઆતનું એકમાત્ર પ્લેટફોર્મ છે. જો સહકારી મંડળીના ચેરમેન-સેક્રેટરી કોઇપણ વાજબી કારણોસર મંડળીની વાર્ષિક સાધારણ સભા બોલાવે નહી તો મંડળીના તમામ સભ્યોના કાયદાથી તેઓને મળેલા અધિકારોનું હનન થાય છે.
સાથે સાથે મંડળીની વ્યવસ્થાપક કમીટીએ વર્ષ દરમ્યાન કરેલા તમામ કાર્યોની જાણકારીથી પણ વિમુખ રહી જાય છે, તેથી જ કાયદામાં મંડળીની વાર્ષિક સાધારણ સભા બોલાવવા અંગે જોગવાઇ કરવામાં આવી છે. સહકારી કાયદાકીય જોગવાઇઓ ઘ્યાને લેતાં પણ મંડળીની વાર્ષિક સાધારણ સભા તે મંડળીની વ્યવસ્થાપક કમીટીએ વર્ષ દરમ્યાન કરેલા તમામ કાર્યો તેમ જ નાણાંકીય હિસાબો,મંડળીના નફા તોટા, પત્રકો સહિત મંડળીના સભાસદો સમક્ષ મૂકવા જોઇએ. કારણ કે, મંડળીના સભાસદો માટે રજૂઆત કરવાનું એક માત્ર ફોરમ કે જે માત્ર મંડળીની વાર્ષિક સાધારણ સભા છે.