સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર ચાર ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની એસજીએફઆઈ (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી વડોદરા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત તા. 25 થી 26 ઓગષ્ટ દરમ્યાન બે દિવસીય જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં અંડર 14 ,17 અને 19 કેટેગરીમાં બોયઝ અને ગર્લ્સની ટીમોએ ભાગ લીધો હતો. સીટી ટેબલ ટેનિસ ક્લબ અને સ્પોર્ટ્સ સેન્ટરના યુવાન પેડલરોએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોચનું સ્થાન હાંસિલ કર્યું હતું. સિંગલ્સ અંડર 14 માં વ્રિતી શાહ પ્રથમ, સિંગલ્સ અંડર 17 માં ઝૈદ શેખ દ્રિતીય, સિંગલ્સ અંડર 17માં ધ્યાન વસવાડા અને સિંગલ્સ અંડર 17 માં નીવાન અગ્રવાલ પાંચમી પોઝિશનમાં રહ્યા હતા. આ ચારેય ખેલાડીઓ હવે આગામી રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધાના સમાપન સમારોહ પ્રસંગે વિજેતા ખેલાડીઓને મેડલ ,ટ્રોફી, સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.