વડોદરા : માંડવી પાણીગેટ રોડ પરથી ગણેશજીની આગમન સવારી પસાર થઇ રહી હતી
ત્યારે તેના પર ઇંડા ફેંકવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીને સિટી પોલીસે ઝડપી
પાડયા બાદ આજે આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ સાત દિવસના
રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
હતા. પોલીસે ગુનામાં આજે કાવતરાની કલમનો ઉમેરો કરી તે અંગેનો રિપોર્ટ પણ કોર્ટમાં
રજુ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માંજલપુર નિર્મળપાર્ક યુવક મંડળના શ્રીજીની
સવારી માંડવી-પાણીગેટ રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે તા.૨૫ની મોડી રાત્રે કેટલાક
અસામાજિક તત્વોએ શ્રીજી સવારી પર ઇંડા ફેંકતા આ બનાવના પગલે ભારે ઉત્તેજના વ્યાપી
જવા પામી હતી.બનાવની જાણ થતા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેને ધ્યનમાં રાખી માટી
સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તુરંત કોમ્બિંગ હાથ ધરી
બનાવમાં સંડોવાયેલા એક સગીર સહિતના બે શખ્સને ઝડપી પાડયા હતા.
આજે આરોપી સુફીયાન ઉર્ફે ગામા સલીમ મન્સુરી અને શાહનવાઝ ઉર્ફે
બડબડ મહંમદ ઇરશાદ કુરેશીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના સાત દિવસના
રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, બનાવમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેની
તપાસ કરવાની છે. આ બનાવને અંજામ આપવામાં કોનો દોરી સંચાર છે તેની તપાસ કરવાની અને
બનાવમાં સ્લીપર સેલની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરાવની છે. તપાસ અધિકારીએ આ
બનાવને અંજામ આપતા પહેલા કાવત્રુ રચવામાં આવ્યું હોઇ આજે કાવતરાની કલમનો ઉમેરો
કરતો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના ત્રણ દિવસના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.