હનીટ્રેપમાં ફસાવીને બ્લેકમેઈલ કરી રહ્યાનું ખુલ્યું : સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યા બાદ વિસાવદર ખાતે બોલાવી શરીર સંબંધ બાંધ્યાનો વીડિયો ઉતારી બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી’તી
પોરબંદર, : પોરબંદરના બેંક કર્મચારીએ આઠ ઓગસ્ટના ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેમાં પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે તેને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે અને બ્લેકમેલ કરવામાં આવતા તેણે આ પગલું ભર્યું છે. આથી પોલીસે આ બનાવની ઊંડાણથી તપાસ હાથ ધરીને વિસાવદરની મહિલા અને એક યુવાનની ધરપકડ કરી લીધી છે અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૃતક બેંક કર્મચારીને વિસાવદરની મહિલા સાથે છ મહિનાથી સંપર્ક થયો હતો અને પોતે દેહવેપાર કરે છે તેમ કહી મળવા માટે આવવાનું કહેતી હતી. બાદમાં ૧૫ જુલાઈના વિસાવદર ઘરે બોલાવી વાતોમાં ફસાવીને અંગતપળો માણતા હતા ત્યારે કાના જાદવ નામનો શખ્સ અચાનક આવી ગયો હતો અને મહિલાનો પતિ હોવાનું કહીને મોબાઈલ ફોનમાં બંનેનો વીડિયો ઉતારી રૂ.20 લાખની માંગણી કરી હતી. આથી થોડા-થોડા પૈસા આપી દઈશ તેમ કહીને નીકળી ગયો હતો. બાદમાં મહિલા અને તેના પતિના ફોન આવતા હતા અને બ્લેકમેઈલ કરતા હતા.
પરંતુ તેઓના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા મહિલાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર બાબતે અરજી આપી હતી. જેમાં બેંક કર્મચારીએ સંબંધીઓને વાત કરીને સામાજિક લેવલે અને અન્ય રીતે સમાધાન માટે પ્રયત્ન કર્યા પણ વધુ ને વધુ રૂપિયા માંગીને ફરિયાદ નોંધાવી દીધી હતી. અંતે કંટાળીને બેંક કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં કમલાબાગ પોલીસે ગુનો દાખલ કરીને આજે મહિલા અને તેના મળતિયા વિસાવદરના કાંગસિયાળા ગામના ડાયા ઉર્ફે કાના ગનુ જાદવ (ઉં. 31)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.