માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ અગાઉ
બનાસકાંઠાના લાલપુર ખાતે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો ઃ ૩૦ હજારનો દંડ
ગાંધીનગર : માણસા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં એક વર્ષ અગાઉ સગીરાને
પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને બનાસકાંઠાના લાલપુર ખાતે લઈ જઈ બળાત્કાર
ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ
ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં
આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠાના લાલપુર ગામમાં
રહેતા પ્રહલાદજી દેવરામજી મોરવાડિયા દ્વારા માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપુર
ગામે રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ બનાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને
ત્યારબાદ ગત ૧૫ જુલાઈ ૨૦૨૪ના રોજ આ સગીરાને લલચાવી ફોસલાવીને તેને બનાસકાંઠાના
લાલપુર ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેની સાથે અવારનવાર ખેતરમાં લઈ જઈને શરીર
સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે સગીરાના પિતા દ્વારા માણસા પોલીસ મથકમાં
આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં
બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ
સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી
. ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે,
ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો
ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે
આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ
દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પ્રહલાદજી દેવરામજી મોરવાડિયાને બળાત્કાર
અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૩૦ હજાર
રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને
સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.