Mainpuri Dehuli Massacre: ઉત્તર પ્રદેશના બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં આખરે 44 વર્ષ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ હત્યાકાંડ કેસમાં કોર્ટે કુલ 17 ગુનેગારોમાંથી ત્રણ ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે. દોષિત ગુનેગારોની વય હાલ 70 વર્ષ આસપાસ છે. જ્યારે અન્ય 13 લોકોના કુદરતી મોત થઈ ચૂક્યા છે.
મૈનપુરીના દિહુલીમાં દલિત સમુદાયને નિશાન બનાવી હુમલો કરનારા આ 17 ડાકુઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જેમાં કપ્તાન સિંહ, રામસેવક અને રામપાલ સિંહને ફાંસીની સજા ફટકારાઈ છે. જ્યારે તમામને 50000-50000 સુધીનો દંડ પણ ફટકાર્યો છે. આ હત્યા કેસમાં 17 આરોપીઓમાંથી 13 લોકોના મોત થઈ ચૂક્યા છે.
1981માં મૈનપુરીના દિહુલી ગામમાં જાતિય હિંસામાં 24 દલિતો માર્યા ગયા હતા. આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાની તારીખ 18 માર્ચ, 2025 નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ આજે સજાની જાહેરાત કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
શું હતી ઘટના
18 નવેમ્બર 1981ના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલા ફિરોઝાબાદના જસરાના ગામ દિહુલીમાં જાતિ આધારિત હુમલામાં દલિત સમુદાયના 24 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ 17 ડાકુઓ પોલીસના સ્વાંગમાં ગામમાં પ્રવેશ્યા હતા. તેમણે ઠંડા કલેજે 24 દલિતની હત્યા કરી હતી. મૃતકોમાં છ માસ અને બે વર્ષનું બાળક અને મહિલાઓ પણ સામેલ હતી.
આ મામલામાં જસરાના પોલીસ સ્ટેશનમાં રાધેશ્યામ ઉર્ફે રાધે, સંતોષ ચૌહાણ ઉર્ફે સંતોષા, રામ સેવક, રવિન્દ્ર સિંહ, રામપાલ સિંહ, વેદરામ, મિઠ્ઠુ, ભૂપરામ, માનિક ચંદ્ર, લટૂરી, રામ સિંહ, ચુન્નીલાલ, હોરી લાલ, સોનપાલ, લાયક સિંહ, બનવારી, જગદીશ, રેવતી દેવી, ફૂલ દેવી, કપ્તાનસિંહ, કમરૂદ્દીન, શ્યામવીર, કુંવર પાલ, લક્ષ્મી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કેસનો ચુકાદો આવવામાં 44 વર્ષનો સમય લાગ્યો છે. જેના લીધે મોટાભાગના આરોપીના મોત થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે, આ કેસમાં અન્ય એક આરોપી, જ્ઞાનચંદ ઉર્ફે ગિન્ના, હજુ પણ ફરાર છે, તેના માટે અલગ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.