રૂપિયો નબળો પડતા કિંમતી ધાતુના ભાવ વધુ ઊંચકાયા
મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સ્થિરતા અને ઘરઆંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાચાંદીની આયાત મોંઘી પડવાની ધારણાંએ સ્થાનિકમાં સોનાચાંદીમાં સુધારો આગળ ધપ્યો હતો. અમદાવાદમાં સોના તથા ચાંદી બન્નેમાં નવી ઊંચી સપાટી જોવા મળી છે. રશિયા ખાતેથી ક્રુડ તેલના પૂરવઠા બાબત અનિશ્ચિતતા તથા અમેરિકામાં માગ મંદ પડવાની શકયતાએ સપ્તાહ અંતે ક્રુડ ઓઈલના ભાવ નરમ બોલાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોના તથા ચાંદી બન્નેમાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી. ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૫૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૫૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૮૦૦૦ સાથે નવા વિક્રમી ભાવ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાચાંદીમાં મક્કમતા અને ડોલર સામે રૂપિયામાં નબળાઈથી ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતા કિંમતી ધાતુના ભાવ ઊંચકાયા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ વધુ સુધરી રૂપિયા ૧૦૨૩૮૮ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૦૧૯૭૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૭૫૭૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૪૧૭ ડોલર જ્યારે ચાંદી ચાંદી ઔંસ દીઠ ૩૯ ડોલરની નજીક કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૫૨ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૦૯૩ ડોલર મુકાતું હતું.
અમેરિકામાં ઉનાળાને લગતી ક્રુડ તેલની માગ હવે પૂરી થઈ રહી છે અને રશિયા ખાતેથી પૂરવઠા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતા ક્રુડ તેલમાં સપ્તાહ અંતે નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૨૭ ડોલર મુકાતુ હતું.
દરમિયાન દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર આજે સૌના-ચાંદીના વાયદા ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૧૬૭૧૧.૯૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૨૧૪૬ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૨૮૧૩ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.૧૦૨૦૬૯ના સ્તરે બોલાઇ, રૂ.૧૦૨૧૦૦ના આગલા બંધ સામે રૂ.૫૪૫ના ઉછાળા સાથે રૂ.૧૦૨૬૪૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૨૮ ઊછળી રૂ.૮૨૪૭૪ના ભાવે બોલાયો હતો.
ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪૨ વધી રૂ.૧૦૨૭૦ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૪ની તેજી સાથે રૂ.૧૦૧૯૯૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૧૭૬૮ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૦૨૧૫૩ અને નીચામાં રૂ.૧૦૧૪૬૯ના મથાળે અથડાઈ, રૂ.૧૦૧૪૩૪ના આગલા બંધ સામે રૂ.૪૬૨ વધી રૂ.૧૦૧૮૯૬ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૧૬૮૯૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૧૭૮૨૫ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.૧૧૬૮૫૦ના સ્તર સુધી જઇ, રૂ.૧૧૭૧૭૪ના આગલા બંધ સામે રૂ.૧૫૧ વધી રૂ.૧૧૭૩૨૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.૭૯૮ ઘટી રૂ.૧૧૮૦૪૮ થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.૧૦૩૦ વધી રૂ.૧૨૦૦૦૦ના સ્તરે પહોંચ્યો હતો.