– વીજ તંત્ર ફોલ્ટ શોધીને સમારકામ હાથ ધરવા માંગ
– એકાએક વીજ વોલ્ટેજ વધઘટ થતાં ટીવી, ફ્રિજ, પંખા સહિતના ઉપકરણો ખાખ થતાં સ્થાનિકોમાં રોષ
ધોળકા : ધોળકા શહેરમાં છેલ્લા બે દિવસથી વોલ્ટેજ વધઘટ થતાં ઇલેકટ્રીક સાધનો ટીવી, ફ્રીજ, બલ્બ, ટયુબ લાઇટ સહિતના સાધનો બળીને ખાખ થઇ ગયા છે. એક બાજુ સારો વરસાદ થયો છે, તેની ખુશી છે અને બીજી બાજુ વીજ તંત્રના વાંકે ઘરના વીજ ઉપકરણો બળી રહ્યા છે. વીજ તંત્ર ફોલ્ટ શોધીને સમારકામ હાથ ધરવા માંગ ઉઠવા પામી છે.
ધોળકાના લોધીના લીમડાવાળા વિસ્તારમાંથી બજાર તરફ તથા મેનાબેન ટાવર વિસ્તારમાં ગત મોડી રાત્રે એકાએક વીજ વોલ્ટેજ વધઘટ થવાના કારણે ફ્રિજ, બલ્બ, ટીવી, ટયુબલાઇટો, પંખાને નુકસાન થયું હતું. એટલું જ નહીં અમુક ઘરના વાયરીંગ પણ બળી જતાં નુકસાન થયું હતું.
વીજ વધઘટ થવાથી રહીશોને વીજ ઉપકરણો ચાલુ કરવામાં પણ ડર લાગે છે કે, કયારે વીજપ્રવાહ વધે તેનું નક્કી નહીં. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર વીજ કંપનીની બેદરકારીના ગંભીર પરિણામો ક્યારેક પ્રજાને ભોગવવા પડી રહ્યાં છે. હાલ વીજ તંત્રની બેદરકારીના કારણે જે નુકસાન થયું છે તેનં વળતર કોણ ચુકવશે તેવી ચર્ચાએ હાલ જોર પકડયું છે. વીજ તંત્ર દ્વારા ફોલ્ટ શોધીને સમારકામ કરવામાં આવે જેથી ફરી આ સમસ્યા ન ઉદ્ભવે.