– લીંબડી હાઇવે પર ટેન્કરમાંથી ગેસની ચોરીનું કૌભાંડ ઝડપાયું
– ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો , ગેસની બોટલો મળીને 26 લાખનો મુદ્દામાલ જપ્ત : એક શખ્સ નાસી છુટયો
લીંબડી : લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા હત જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો , ગેસની બોટલો મળીને ૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી દેવનારાયણ હોટલના કમ્પાઉન્ડમાં અમુક શખ્સો ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરીને ગેસના બાટલા ભરી રહ્યા છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરીને ગેસ ચોરી કરતાં દશરથ રાધુભાઈ પાડલીયા (રહે.ઉટડી) અને પ્રવિણ રમાશંકર પાંડેય (રહે.વડોદરા)ને ઝડપી પાડયા હતાં.
પોલીસે બંને શખ્સો પાસેથી રોકડ (રૂ.૧૪, ૦૦૦), બે-મોબાઈલ (કિં.રૂ. ૮,૦૦૦), એક છોટા હાથી (કિં.રૂ. ૨,૦૦,૦૦૦), ટેન્કર ટ્રકમાં ભરેલ ગેસ (કિં.રૂ. ૮,૬૬,૨૦૪) તથા એક ટેન્કર (કિં.રૂ. ૧૫,૦૦૦,૦૦) તથા ખાલી અને ભરેલી ગેસની ૧૪ બોટલ (કિં.રૂ ૧૦,૪૦૦), એક ઈલેક્ટ્રીક મોટર (કિં.રૂ.૨,૦૦૦) તથા ગેસ કાઢવાની નોજલ (કિં.રૂ. ૩,૦૦૦) મળીને કુલ રૂ.૨૬,૦૩,૬૦૪નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન વિજય મનુભાઈ પાડલીયા (રહે.લીંબડી) નાસી છુટયો હતો. પોલીસે આ બનાવ અંગેનો ત્રણેય શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.