– કલેક્ટરના આદેશ બાદ કાર્યવાહી : સુરેન્દ્રનગર શહેરની જનતાને રોડ-રસ્તાની સુવિધા આપોઃ કલેક્ટર
– કોન્ટ્રાક્ટરો પાસેથી કામ લેવામાં અધિકારીઓ નિષ્ફળ જતાં વઢવાણ એસડીએમએ આદેશ કરતાં દોડધામ
સુરેન્દ્રનગર : વઢવાણ-સુરેન્દ્રનગર-રતનપર શહેરી વિસ્તારમાંથી પસાર થતો રાજકોટ-બાયપાસ રોડ, વઢવાણ-સુરેન્દ્રનગર-દુધરેજ શહેરી વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઇવે-૫૧ રોડ, કેનાલ નજીકનો ડાયવર્ઝન રોડમાં વરસાદના કારણે બિસ્માર અને મસમોટા ખાડા પડયાં ે છે. જેના પગલે અનેક વાહનો સ્લીપ ખાઇ જવાના તેમજ અકસ્માત સર્જાવાના બનાવો બન્યા છે. આ મામલે ફરિયાદ ઉઠતાં જેતે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદ વિરામ લેશે ત્યાર બાદ રિપેરિંગ હાથ ધરવાનું જણાવ્યું હતું. જોકે, વરસાદે વિરામ લીધાને પંદર દિવસ વિતી ગયા બાદ પણ બિસ્માર રસ્તાનું રિપેરીંગ કામ હાથ નહીં ધરવામાં આવતા લેક્ટરે વઢવાણ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેના પગલે વઢવાણ એસડીએમએ જવબાદર અધિકારીઓને નોટિસ પાઠવી તેઓ પોતાની જવાબદારી નિભાવાવમાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી દસ દિવસમાં રોડનું રિપેરીંગ કામ હાથ ધરવા જણાવ્યું છે.
સુરેન્દ્રનગર શહેરની જનતાને રોડ રસ્તાની યોગ્ય સુવિધા મળી રહે તે માટે કલેક્ટર રાજેન્દ્રન કુમર પટેલએ બિસ્માર રોડ મામલે કાર્યવાહી કરવા આદેશ કરતા વઢવાણ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારી) એમ જે ભરવાડએ માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય ઘોરીમાર્ગ અને નર્મદા વિભાગના જવાબદાર ઇજનરોને નોટિસ પાઠવી છે. જેમાં જણાવ્યું કે વઢવાણ-સુરેન્દ્રનગર-રતનપર શહેરી વિસ્તારમાંથી રાજકોટ-બાયપાસ અને વઢવાણ-સુરેન્દ્રનગર-દુધરેજ શહેરી વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઇવે-૫૧ રોડ, અને દૂધરેજ કેનાલ નજીકનો ડાવયર્ઝન રોડ પસાર થાય છે.
આપના તાબા હેઠળના આ રસ્તાઓ મરામતની જવાબદારી આપની છે. રસ્તા રીપેરીંગ માટે નક્કી થયેલા કોન્ટ્રાકટરની રસ્તા રીપેરીંગની જવાબદારી બને છે અને સમયસર રસ્તા રીપેર થઈ જાય તે માટે આપે જવાબદાર કોન્ટ્રાકટર પાસેથી રસ્તા રીપેર થઈ જાય તે સુનિશ્ચિત કરાવવાનું હોય છે તેમ છતા રસ્તાઓમાં કોઈ સુધારો કે સમારકામ જોવા મળેલ નથી. કોન્ટ્રકાકટરો કે સંબંધિત એજન્સી પાસેથી જરૂરીયાત મુજબનં કામ લેવામાં આપ સંપૂર્ણપણે નિષ્ફાળ ગયેલ હોવાનું અમારૂ માનવુ છે.
ઉપરોક્ત રોડ પર પડેલ તમામ ખાડાઓનું દસ દિવસ (તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી)માં સમારકામ કરી રસ્તાઓ અવર-જવર યોગ્ય બનાવવા એસડીએમ એ હુકમ કર્યો છે. અને જો આમ કરવામાં નિષ્ફળ જાય તો તા. ૦૮/૦૯/૨૦૨૫ ના દિવસે સાંજે ૦૪.૦૦ વાગ્યે અત્રેની કોર્ટમાં હાજર થવું અને આ હુકમનો શા માટે અમલ ન કરવો જોઈએ તેનું કારણ બતાવવું, અથવા આ હુકમની અમલવારી કરીને અત્રે જાણ કરવી. જો તમો દ્વારા આ આદેશનું પાલન કરવામાં નહીં આવે તો ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ હેઠળ કાર્યવાહી કરવાની ફરજ પડશે. જે અંતર્ગત જેલની સજા તથા દંડની જોગવાઈઓ રહેલી છે. વધુમાં જણાવવાનું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૫૨ (૨) હેઠળ મેજીસ્ટ્રેટ દ્વારા કરેલા હુકમને સિવીલ કોર્ટમાં પડકારી શકાશે નહીં.